Shravan Somwar Shiv Puja Upay In Gujarati : શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા કરવાથી શુભફળ મળે છે. શિવપુરાણ મુજબ શ્રાવણ માસમાં ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. આથી લોકો ભોલેનાથની પોતાની રીતે પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. અહીં અમે તમને એવી જ 8 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને શિવલિંગ પર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આવો જાણીએ આ 8 ચીજ કઇ કઇ છે
શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરો
બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેથી શ્રાવણ માસમાં શિવલિંગ પર અભિષેક કરતી વખતે બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે.
શમીના પાન અર્પણ કરો
ભોળાનાથની પૂજા કરતી વખતે શમીના પાન પણ ચઢાવવા જોઈએ. કારણ કે શમી વૃક્ષનો સંબંધ શનિદેવ સાથે છે અને શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે. તેથી જો તમે શિવલિંગ પર શમીના પાન ચઢાવશો તો તમને ભગવાન શિવની સાથે શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.
શિવલિંગ પર અક્ષત ચોખા ચઢાવો
શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર અક્ષત ચોખા ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષત અર્પણ કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ આર્થિક સ્થિતિ સુધરે છે. પરંતુ ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ, તૂટેલા ન હોવા જોઈએ.
કાળા તલ અર્પણ કરો
શિવલિંગ પર કાળા તલ ચઢાવવા લાભકારી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કાળા તલ ચઢાવવાથી પિતૃ દોષમાં રાહત મળે છે અને પૂર્વજોના આશીર્વાદ મળે છે. સાથે જ શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી શનિ દોષ માંથી મુક્તિ મળે છે.
શિવલિંગ પર ભસ્મનું તિલક કરો
ભગવાન શંકરને ભસ્મ બહુ પ્રિય છે. ભગવાન શંકર તેમના શરીર પર ભસ્મ લગાવી શૃંગાર કરે છે. આથી શિવલિંગ પર અભિષેક કર્યા બાદ ભસ્મનું તિલક કરવું જોઇએ.
દૂધ અને ગંગાજળ વડે અભિષેક
શિવલિંગ પર ગંગાજળ વડે અભિષેક કરવું શુભ માનવામાં આવે છે. ગંગાજી શિવજીની જટા માંથી નીકળે છે. ભગવાન શંકરને ગંગાજળ અતિ પ્રિય છે. ગંગાજળ અતિ શુદ્ધ માવામાં આવે છે. માન્યતા મુજબ શિવલિંગ પર ગંગાજળ વડે અભિષેક કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને મન શાંત રહે છે.
ધતુરો અને આંકડાના ફુલ
ભગવાન શંકરને ધતુરો અને આંકડાના ફુલ પ્રિય છે. આથી શ્રાવણ માસમાં શિવલિંગ પર ધતુરો અને આંકડાના ફુલ અર્પણ કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે. આયુર્વેદમાં ધતુરો અને આંકડાના ફુલને ઔષધી માનવામાં આવે છે. માન્યતા મુજબ ધતુરાનું ફૂલ અર્પણ કરવાથી શિવ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે.
આ પણ વાંચો | શ્રાવણ માસ 2025 કેલેન્ડર : સોમવાર, રક્ષાબંધન અને જન્માષ્ટમી કઇ તારીખે છે? જાણો અહીં
કરેણ અને અપરાજીતાના ફુલ
ભગવાન શંકરને કરેણ અને અપરાજીતાના ફુલ પ્રિય છે. ધાર્મિક માન્યતા મુજબ ભોળાનાથને કરેણ અને અપરાજીતાના ફુલ અર્પણ કરવાથી વાસ્તુ દોષ, પિતૃ દોષ માંથી મુક્તિ મળે છે, સાથે જ જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.