/indian-express-gujarati/media/media_files/2026/02/25/mata-vaishno-devi-mandir-tirth-yatra-guide-2026-02-25-16-53-22.jpg)
Mata Vaishno Devi Mandir Tirth Yatra Guide : માતા વૈષ્ણોદેવી મંદિર તીર્થયાત્રા ગાઇડ. Photograph: (Social Media)
Mata Vaishno Devi Temple Guide : ભારતને દેવી-દેવતાઓ, ઋષિઓ અને પવિત્ર નદીઓની ભૂમિ માનવામાં આવે છે. અહીં ધર્મ જીવનનો આધાર છે, જે સમાજને નૈતિકતા, સંસ્કૃતિ, પરંપરાઓ અને એકતાના સૂત્રમાં બાંધે છે. આ ભૂમિ સદીઓથી આધ્યાત્મિક કેન્દ્ર રહી છે. આ ભૂમિ સંતો, દાર્શનિકો અને આત્મજ્ઞાન સાધનારાઓની ભૂમિ છે. ભારત 12 પવિત્ર જ્યોતિર્લિંગો અને માતા સતીના 51 શક્તિપીઠોની ભૂમિ છે, જે હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક આસ્થાના સૌથી મુખ્ય કેન્દ્રો છે.
આ ધરતી પર આવા ઘણા મંદિરો છે જેમની અંદર ઘણા રહસ્ય છુપાયેલા છે. તેમાંથી એક છે જમ્મુના કટરામાં સ્થિત માતા વૈષ્ણોદેવીનું મંદિર, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આવો જાણીએ આ મંદિરનું મહત્વ, ઇતિહાસ, પૌરાણિક કથાઓ વિશે વિગતવાર
વૈષ્ણોદેવી મંદિરનો ઇતિહાસ અને પૌરાણિક કથા
માતા વૈષ્ણો દેવીનું મંદિર દેશના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાંનું એક છે અને તે જમ્મુના કટરાથી લગભગ 14 કિમી દૂર ત્રિકુટા પર્વત પર સ્થિત છે. માતાને વૈષ્ણવી અને ત્રિકુટા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા વૈષ્ણોને મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના અવતાર માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, માતા વૈષ્ણોનો જન્મ દક્ષિણ ભારતના રત્નાકર પરિવારમાં થયો હતો. તેમના બાળપણનું નામ ત્રિકૂટ હતું. પછી તેમનો જન્મ ભગવાન વિષ્ણુના વંશમાં થયો, જેના કારણે તેમનું નામ વૈષ્ણવી રાખવામાં આવ્યું હતું.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા વૈષ્ણોનો જન્મ ત્રેતા યુગમાં લોકો કલ્યાણ માટે રાજકુમારી તરીકે થયો હતો. બાદમાં તે ત્રિકુટા પર્વત પર તપસ્યા કરવા ગયા હતા. વર્તમાન સમયે, માતાનું મંદિર ત્રિકુટ પર્વત પરની પ્રાચીન ગુફામાં આવેલું છે, જ્યાં તેમના ત્રણેય મહાસ્વરૂપો ત્રણ પિંડી રૂપમાં સ્થાપિત છે.
માતા વૈષ્ણો દેવીની પૌરાણિક કથા
માતા વૈષ્ણો વિશે અન્ય એક કથા છે કે, જેમા એક વખત રાક્ષસ રાજાએ બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઇ બ્રહ્માજીએ રાક્ષસ રાજને વરદાન માંગવા જણાવ્યું. રાક્ષસ રાજાએ વરદાન માંગ્યું કે ત્રણેય લોકમાં ગર્ભમાંથી જન્મેલું કોઈ પણ જીવ તેને મારી શકશે નહીં. વરદાન મેળવ્યા બાદ રાક્ષસે દેવી-દેવતાઓ, ઋષિમુનિઓ અને મનુષ્યો પર અત્યારચાર કરવાનું શરૂ કર્યું. ડરેલા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, ત્યારે તેમણે તેમને ભગવાન શંકર પાસે મોકલ્યા.
શિવે દેવતાઓને વિષ્ણુજી પાસે જવા કહ્યું. આ પછી ભગવાન વિષ્ણુએ રાક્ષસને મારવા માટે માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાની શક્તિથી એક સ્ત્રીનું સર્જન કરવાની જણાવ્યું. આ ત્રણેય દેવીઓએ મળીને એક નવી શક્તિનું સર્જન કર્યું જેનું નામ વૈષ્ણવી રાખ્યું અને પછી તે દેવીએ રાક્ષસને મારી નાખ્યો.
આ કાર્ય પૂર્ણ કર્યા પછી, માતા વૈષ્ણો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને તેમના હૃદયમાં સ્થાન આપવા કહ્યું. વિષ્ણુજી એ તેમને રાજા રત્નાકરની પુત્રી તરીકે જન્મ લઈને ધર્મનું રક્ષણ કરવાનો આદેશ આપ્યો અને ખાતરી આપી કે તેઓ તેમને ચોક્કસ મળશે. માતા વૈષ્ણવીનો જન્મ રાજા રત્નાકરની પુત્રી તરીકે થયો હતો અને બાળપણથી જ તેમણે ભગવાન રામના નામના ગુણગાન કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે મોટી થઈ ત્યારે તે ત્રિકૂટ પર્વત પર ગઈ અને ભગવાન રામની રાહ જોવા લાગ્યા.
લોકવાયકા અનુસાર, જ્યારે ભગવાન રામ માતા વૈષ્ણવીને માતાની શોધમાં મળ્યા હતા, ત્યારે તેમણે માતા વૈષ્ણવીને પોતાની સાથે લઈ જવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે, તેમના લગ્ન માતા સીતા સાથે થયા હતા અને તેઓ તેમની શોધમાં જવાના હતા. ભગવાન રામે માતા વૈષ્ણોને ત્રિકુટ પર્વત પર રાહ જોવાનું કહ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન રામે માતા વૈષ્ણોને કહ્યું હતું કે, "હું કળિયુગના અંતે કલ્કિ અવતાર લઈને તમને મળીશ અને લગ્ન કરીશ." તે સમયે મારે બે પત્ની હશે, એક મહાલક્ષ્મી અને બીજી તમે. ત્યારથી માતા વૈષ્ણો ભગવાન કલ્કીની રાહ જોઈને ત્રિકુટ પર્વત પર ધ્યાન કરી રહ્યા છે.
પૂજા, ભોગ, પ્રસાદ અને ભોજન સુવિધા
ભોજન : શ્રાઈન બોર્ડ કટરા, ભવન અને ભૈરવ ઘાટીમાં શુદ્ધ શાકાહારી ભોજન સાથે દિવસના 24/7 કલાક શ્રદ્ધાળુઓને જમાડે છે.
પ્રસાદ : માતા વૈષ્ણોદેવીને શ્રીફળ, ડ્રાયફૂટ્સ, સાકર અને લાલ ચુંદડી અર્પણ કરવામાં આવે છે. તો બાણગંગામાં જળ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસાદ મંદિર ભવન પાસે કે કટરાથી ખરીદી શકાય છે.
પૂજા અને હવન : પૂજા અને હવન માટેના શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર નિર્ધારિત પૈસા ચૂકવીને બુક કરાવવું પડે છે.
માતા વૈષ્ણો દેવીનું મંદિર સમુદ્ર સપાટીથી 5,300 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. આ યાત્રા કટરાથી શરૂ થાય છે અને માતાના ભવન સુધી પહોંચવા માટે 13 કિમી જેટલું ચઢવું પડે છે.
કટરા થી બાણગંગા સુધીનું અંતર
માતા વૈષ્ણો દેવી યાત્રા કટરાથી શરૂ થાય છે અને લોકો બાણગાંગામાં થોડો સમય રોકાય છે. આ પવિત્ર જળમાં સ્નાન કરીને આગળ વધે છે.કટરાથી તેનું અંતર દોઢ થી 2 કિલોમીટર જેટલું છે.
બાણગંગા થી અર્ધ કુંવારીનું
બાણગંગા થી અર્ધ કુંવારીનું અંતર લગભગ 4.2 કિમી છે. માન્યતાઓ અનુસાર, અર્ધકુવારી ગુફામાં માતા વૈષ્ણોદેવી છુપાઇને 9 મહિના સુધી તપસ્યા કરી હતી. અહીં થોડો સમય આરામ કર્યા પછી, આગળની યાત્રા કરવામાં આવે છે. તે કટરા અને મંદિર ભવન વચ્ચે સ્થિત છે.
સાંઝી છત
સાંઝી છત મંદિર ભવનથી લગભગ 2.5 કિમી દૂર છે. અહીં પર એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં મુસાફરી કરતા મુસાફરો અહીં ઉતરે છે.
હેલિકોપ્ટર સુવિધા
જે લોકો વધારે ચાલી શકતાનથી તેમના માટે હેલિકોપ્ટર સુવિધા ઉપલબ્ધ છે. ભક્તો હેલિકોપ્ટર દ્વારા પણ કટરાથી મંદિર પહોંચી શકે છે. કટરા અને સાંઝી છત વચ્ચે હેલિકોપ્ટર નિયમિતપણે ચાલે છે. મંદિર ભવન સુધી પહોંચવા માટે સાંઝી છટથી 2.5 કિલોમીટર ચાલવું પડે છે.
હેલિકોપ્ટર ટિકિટ: હેલિકોપ્ટરથી આવવા અને જવાનું ભાડું પ્રતિ વ્યક્તિદીઠ લગભગ 4,420 રૂપિયાથી 4,640 રૂપિયા અથવા તેનાથી વધુ હોઈ શકે છે. આની ટિકિટ maavaishnodevi.org. તમે વેબસાઇટ પરથી બુક કરાવી શકો છો. જો કે, ટિકિટ અગાઉથી બુક કરાવવી પડશે. બે વર્ષ સુધીના બાળકોને ટિકિટ આપવામાં આવતી નથી.
બેટરી કાર અને રોપવે બેટરી
માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે બેટરી કાર સેવા પણ ઉપલબ્ધ છે. અર્ધ કુંવારીથી ભવન સુધીનું ભાડું વ્યક્તિ દીઠ 450 રૂપિયા છે. ઉપરાંત રોપ વેમાં બેસીને પણ જઇ શકાય છે, જેનું ભાડું 100 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. જો કે, આ રોપ-વે માત્ર ભવનથી ભૈરવ મંદિર સુધી જ મળે છે.
અન્ય સાધન : કટરાથી માતા વૈષ્ણો દેવી મંદિર સુધી ખચ્ચર, પિટ્ટૂ અથવા પાલખી સુવિધા પણ ઉપલબ્ધ છે.
રોકાવાની વ્યવસ્થા
માતા વૈષ્ણો દેવી ધામ (કટરા, અર્ધ કુંવારી, ભવન) માં શ્રાઈન બોર્ડના શયનગૃહના રૂમનું ભાડું લગભગ 150 રૂપિયા છે. તો ફેમિલી રૂમનું ભાડું 2500 રૂપિયા છે. maavaishnodevi.org વેબસાઇટ દ્વારા રૂમ બુક કરી શકો છો.
જમવાની વ્યવસ્થા
શ્રદ્ધાળુઓની સુવિધા માટે પગપાળા ચઢાણ દરમિયાન આખા રસ્તામાં શેડ નાંખી છાંયડો કરેલો છે. ઉપરાંત, શાકાહારી ખોરાક, પાણી અને અન્ય જરૂરિયાતો ચોવીસ કલાક ઉપલબ્ધ છે.
આરતી સમય
maavaishnodevi.org પર આપવામાં આવેલી માહિતી મુજબ આરતીની ટિકિટ અગાઉથી બુક કરાવવી પડે છે. આ આરતી સવારે અને સાંજે 6 વાગ્યે થાય છે.
આરતી ટિકિટ : વ્યક્તિ દીઠ ટિકિટની કિંમત 2000 રૂપિયા છે. તો સમૂહ આરતીની કિંમત 5100 રૂપિયા છે. તેમાં ચાર લોકો જોડાઈ શકે છે.
રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી
વૈષ્ણોદેવી ધામ પહોંચતા પહેલા દરેક વ્યક્તિની નોંધણી કરાવવી જરૂરી છે. તમે ઓનલાઇન અથવા ટિકિટ કાઉન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
કેવી રીતે પહોંચવું?
વિમન સેવા : માતા વૈષ્ણોદેવીની નજીકનું હવાઇમથક જમ્મુનું રાનીબાગ એરપોર્ટ છે. ત્યાર બાદ રોડ માર્ગે બેઝ કેમ્પ કટરા રોપહોંચી શકાય છે. એરપોર્ટથી કટરાનું અંતર 50 કિમી છે.
ટ્રેન : વૈષ્ણોદેવી પહોંચવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન જમ્મુ અને કટરા છે. આ બંને રેલવે સ્ટેશનો ભારતભરના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. અમદાવાદ, વારાણસી, નવી દિલ્હી, અમૃતસર, કોટા, મુંબઈ અને જબલપુર જેવા અન્ય ઘણા મોટા શહેરોથી સીધી ટ્રેનો દોડે છે.
રોડ : જમ્મુ રોડ માર્ગ દેશના વિવિધ ભાગો સાથે જોડાયેલો છે અને આ માર્ગ કટરા સુધી પહોંચે છે.
બસ સેવા: દિલ્હી સહિત અન્ય ઘણા મોટા શહેરોથી પણ કટરા માટે બસો દોડે છે.
માતા વૈષ્ણો દેવીના દર્શન માટેનો શ્રેષ્ઠ સમય
ભીડ વાળા મહિનાઓ: કોઈ પણ ઋતુમાં માતા વૈષ્ણોદેવીની મુલાકાત લઈ શકે છે. પરંતુ ઉનાળાની ઋતુમાં, મે - જૂન અને નવરાત્રી (ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી) દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે.
દર્શનનો શ્રેષ્ઠ સમય: જુલાઈ થી સપ્ટેમ્બર અને જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિનામાં ભીડ થોડી ઓછી હોય છે. જો કે, જુલાઈ અને સપ્ટેમ્બર વરસાદનો મહિનો છે, તેથી તે લપસણો હોય છે. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બહુ ઠંડી હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us