ઉમરેઠઃ ઉમરેઠના વારાહી માતાજીનો 265મો હવન સંપન્ન થયો છે. આ વિશ્વ વિખ્યાત હવનનો ભવ્ય ઐતિહાસિક વારસો છે. દેશમાં માત્ર બે જગ્યાએ શાસ્ત્રોક વિધિ-વિધાનથી આ હવન કરવામાં આવે છે. વારાહી માતાજી મંદિરના હવન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ હવન આસો સુદ-નોમ દિવસે થાય છે.
દેશમાં બે જગ્યાએ જ થાય છે આ પ્રકારનો હવન
આ અજોડ અદ્વિતીય અને ઐતિહાસિક વિશ્વ વિખ્યાત હવનની વિશિષતા એ છે કે વિશ્વભરમાં જે નગરોમાં વિદ્વાન બ્રાહ્મણ આચાર્ય વસતા હોય તેવા માત્ર ઉમરેઠ અને કાશી આ બે સ્થાને આ પ્રકારના શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક હવન થાય છે. જેમાં શ્રી ચંડીપાઠના 13 અધ્યાય ઉપરાંત શ્રી દેવી કવચ, શ્રી અર્ગલા સ્તોત્ર, શ્રી કીલક સ્તોત્ર તથા અંતમાં ત્રણ રહસ્યો જેને સપ્તશતીના છ અંગ ગણવામાં આવે છે તે કુલ મળી 19 કવચ હોમાય છે.
વિક્રમ સંવત 1810માં વારાહી અને અંબા માતાજીની દિવ્ય મૂર્તિઓ સ્વયં પ્રગટ થઈ હતી
વારાહી માતાજી મંદિરના ઐતિહાસિક વારસાની વાત કરીએ તો વિક્રમ સંવત 1810 એટલે કે 1754માં ભોલ ઠાકર ભૂદરજીએ વારાહી દરવાજે (હાલના હવન ચોકમાં) ભોલવો કુવો ખોદાવ્યો હતો. જેમાંથી એક જ શિલા ઉપર અંકિત બંને માતાજી એટલે કે વારાહી માતાજી તથા અંબા માતાજીની દિવ્ય મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી. વિ.સં.1820 (સને 1764)માં મહા સુદ નોમના દિવસે બા.ખે. બ્રાહ્મણોએ એકત્ર મળી શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વક શેલત બાપુજી મોરલીદાસના શુભ હસ્તે હાલ મંદિર છે ત્યાં શ્રી વારાહી માતાજીના મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરી હતી.

માતાજીના પ્રાગટ્ય સ્થાન સન્મુખ શ્રી મંગળેશ્વર મહાદેવના સાનિધ્યમાં તે પ્રાચીન સમયથી માતાજીની પ્રતિષ્ઠા મહાસુદ નોમના દિવસે થઈ હોવાથી પ્રતિ વર્ષ નવરાત્રીની નોમ (આસો સુદ-9)ની રાત્રે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પૂર્વક તથા ધામધૂમથી વિદ્ધાન ગુરુદેવોની ઉપસ્થિતિમાં આખી રાત હવન ચાલે છે.
200 મણ કાષ્ટ, ઘીની અપાય છે આહુતિ
આ ભવ્ય હવનમાં કુંડ કે વેદી સિવાય 200 મણ કાષ્ટ, ઘી તથા મોટા પ્રમાણમાં પાયસની આહુતિ અપાય છે. અંદાજી 30 જેટલા વિદ્વાન ગુરુદેવો તથા મુખ્ય આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં આખી રાત હવન થાય છે. હવન ચોકમાં સુંદર સુશોભન અને વ્યવસ્થા કરવામાં આવે છે.

હવન કરાવવા માટે 40 વર્ષનું છે વેઈટિંગ, રૂ.10 લાખ સુધીનો થાય છે ખર્ચ
આ ઐતિહાસિક હવન કરાવવા માટે લોકોમાં હોડ લાગે છે. જોકે હવન કરાવવા માટે 40 વર્ષ સુધી રાહ જોવી પડે એમ છે. કારણ કે આ વર્ષે નામ નોંધાયું હોય તો 40 વર્ષ બાદ હવન કરાવવાનું અહોભાગ્ય પ્રાપ્ત થાય છે. હવન કરાવવાનો ખર્ચ હાલ મોંઘવારીના સમયમાં 8થી 10 લાખ રૂપિયા થાય છે.