Vastu Tips: એક સમય એવો હતો કે લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવતા હતા. પરંતુ ઓછી જમીન અને ફ્લેટ, એપોર્ટમેન્ટના જમાનામાં આ કઠીન બન્યું છે. એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં બેડરૂમ યોગ્ય દિશામાં હોય તો રસોડું અનુકૂળ ન હોય. વાસ્તુશાસ્ત્ર મુજબ આ બધુ કેટલું યોગ્ય છે મોટો સવાલ છે. જો યોગ્ય ન હોય તો ઘરમાં વાસ્તુ દોષ લાગતો હોય છે. પરંતુ મોટાભાગે લોકો એવું માનતા હોય છે કે, તોડફોડ કર્યા વિના વાસ્તુ દોષ ઠીક ન થાય. પરંતુ અહીં તમને એવી કેટલીક વાસ્તુ ટિપ્સ જણાવીએ છીએ કે જે તોડફોડ વિના સરળતાથી અપનાવી વાસ્તુ દોષ નિવારણ ઉપાય કરી શકાય છે.
ઉત્તર પૂર્વ દિશામાં રાખો આ વસ્તુઓ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ એટલે કે ઇશાન ખૂણો સૌથી શુભ માનવામાં આવે છે. ઘરમાં જો ઇશાન ખૂણો યોગ્ય રીતે સચવાયેલો હોય તો શુભ ફળ મળે છે. સુખ સમૃધ્ધિ માટે આ દિશામાં એવી ચીજો રાખો જે ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે. પૂજા માટે મંદિર રાખવું સૌથી ઉત્તમ છે. ઉગતા સૂરજની તસ્વીર, ઉડતા પક્ષીઓની તસવીર કે મની પ્લાન્ટ રાખવો શુભ છે.
કુબેર યંત્ર ઘરમાં સ્થાપના કરો
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કુબેર યંત્ર શુભ માનવામાં આવે છે. ધન દોલતના દેવતા કુબેર ઇશાન ખૂણાના સ્વામી છે. જેથી ઘર કે ઓફિસમાં કુબેર યંત્ર ઉત્તર પૂર્વ એટલે કે ઇશાન ખૂણામાં રાખવું શુભ અસર આપે છે. બીજી મહત્વની બાબત તે ઇશાન દિશામાં ઘરમાં કચરો કે અન્ય એવી કોઇ ચીજ વસ્તુઓ હોય તો એને હટાવી દેવી જોઇએ. ઇશાન દિશા દેવોની જગ્યા માનવામાં આવે છે.
ઘરના પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળ
ઘરના પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળ લગાવવી શુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. ઘરમાં સકારાત્મક ઉર્જા રહેવાથી સુખ સંપત્તિમાં વધારો થાય છે અને ઘરનો માહોલ હર્યોભર્યો રહે છે. પરિવારમાં એકબીજા સાથે સ્નેહભાવ રહે છે. બિમારી કે અન્ય કોઇ મોટી આપત્તિઓ સામે રક્ષણ થાય છે.
સમુદ્રી મીઠું વાસ્તુ દોષ નિવારણ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના વાસ્તુ દોષ નિવારણ માટે સમુદ્રી મીઠું રાખવું શુભ માનવામાં આવે છે. નાની નાની કટોરીમાં સમુદ્રી મીઠું ભરી તમે એને શૌચાલય, બાથરૂમ કે અન્ય એવી કોઇ જગ્યા કે જે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ન હોય ત્યાં મુકી શકો છો. વધુમાં સપ્તાહમાં એકવાર પાણીમાં સમુદ્રી મીઠું ભેળવી ઘરમાં પોતું કરવાથી પણ વાસ્તુ દોષ નિવારણ માટે શુભ ઉપાય માનવામાં આવે છે.
રસોડું અને બેડરૂમ
ઘરમાં રસોડામાં વાસ્તુ દોષ હોય તો ગેસ ઉપર એક બ્રૃહસ્પતિ ક્રિસ્ટલ લગાવી દો. વધુમાં દક્ષિણ પૂર્વ દિશામાં એક લાલ બલ્બ લગાવી એને ચાલુ રાખો. જો તમારો બેડરૂમ દક્ષિણ પશ્વિમ કે પછી ઉત્તર દિશામાં નથી તો વાસ્તુ દોષ નિવારણ માટે દિવાલ પર એક શાંત સમુદ્રની તસવીર લગાવી શકો છો. આમ કરવાથી વાસ્તુ દોષ નિવારણ થતું હોવાનું માનવામાં આવે છે.





