ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને દરેક રાજકીય પક્ષ મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યો છે. સામાન્ય રીતે ચૂંટણીમાં વધારે મત મેળવવા મતદારોને લાંચ રૂપે રોકડ રૂપિયા, ચીજવસ્તુઓ આપવાની અને કોઇ ચોક્કસ રાજકીય પક્ષના ઉમેદવારને જ વોટ આપવા માટે મતદારો પર દબાણ કરવામાં આવે છે. જો આવી કોઇ ઘટના બને તો મતદારો તેની સરળતાથી ફરિયાદ કરી શકે તે માટે અમદાવાદ કલેકટર દ્વારા એક ટો-ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ચૂંટણીમાં મતદારો સાથે થતી ગેરરીતિઓને રોકવા માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ધવલ પટેલે નિર્ભય અને ન્યાયી મતદાન માટે એક ટોલ ફ્રી નંબર જારી કર્યો છે. આ ટોલ-ફ્રી નંબર પર નાગરિકો મતદાન માટે લાંચ કે ધાકધમકી અંગે ફરિયાદ કરી શકે છે. ટોલ ફ્રી નંબર છે – 1800-233-2367, જેના પર નાગરિકો 24X7 ફરિયાદ કરી શકે છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચ નિયંત્રણ સેલ, અમદાવાદના નોડલ ઓફિસર અનિલ ધામેલીયા દ્વારા બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિ જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મત આપવાના અધિકારનો ઉપયોગ કરનાર વ્યક્તિને પ્રેરિત કરવાના ઈરાદાથી રોકડ અથવા કોઈપણ પ્રકારની લાંચ સ્વીકારે છે અથવા આપે છે, તો તે ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ – 171 (B) હેઠળ એક વર્ષ સુધીની કેદ કે નાણાંકીય દંડ અથવા બંનેને પાત્ર થશે.
તે ઉપરાંત કોઈપણ વ્યક્તિ કે જે કોઈપણ ઉમેદવાર અથવા મતદાર અથવા અન્ય કોઈ વ્યક્તિને ઈજા – નુકસાન પહોંચાડવાની ધમકી આપે છે તેને આઇપીસીની કલમ – 171 (c) મુજબ એક વર્ષ સુધીની કેદ કે દંડ અથવા બંને સજાને પાત્ર છે.
લાંચ આપનારા અને લેનારાઓ સામે કેસ નોંધવા અને મતદારોને ડરાવવામાં સંડોવાયેલા લોકો સામે પગલાં લેવા માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે.
ચોક્કસ રાજકીય પક્ષના ઉમેદવારોને વોટ આપવા મતદોરોને લાલચ કે ધમકીની ઘટનાઓ બનતી હોય છે
મતદારો ધાકધમકી કે લાલચ અંગેની ફરિયાદ કરી શકે તે માટે ટોલ-ફ્રી નંબર જાહેર કરાયો