ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે હાલ દેશની રાજધાની દિલ્હી ખાતે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. દિલ્હીમાં છેલ્લા બે ટર્મથી સતત અરવિંદ કેજરીવાલના વડપણ હેઠળની આમ આદમી પાર્ટી જીતી રહી છે. વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાનમાં 1349 ઉમેદવારો ઉતાર્યા છે જેમાં ગુનાઇત ઇતિહાસ ધરાવતા કે ક્રિમિનલ ભૂતકાળ ધરાવતા સૌથી વધારે ઉમેદવારો આપ પાર્ટીના છે.
639 મહિલા ઉમેદવારો મેદાનમાં
દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના 1349 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 139 ઉમેદવારો એટલે 10 ટકા ઉમેદવારો સામે વિવિધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાં 76 ઉમેદવારો એટલે કે 6 ટકા સામે હત્યા કરવાની કોશિશ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે. ચૂંટણીમાં રાજકીય પક્ષોએ 693 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે, એટલે કે ચૂંટણી લડનાર ઉમેદવારોમાંથી 52 મહિલાઓ છે. દિલ્હીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50 ટકા બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
કુલ 639 મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ આપ પાર્ટીએ 140, ભાજપે 137 અને કોંગ્રેસ 134 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.
કુલ ઉમેદવારોમાંથી 10 ટકા ‘ગુનાહિત’
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીએ દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 250 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી 248 ઉમેદવારોનું સેલ્ફ – ડિક્લેરેડ એફિડેવિટ્સ (સ્વ-ધોષિત સોગંદનામું)નું ADR દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેમાંથી 18 ટકા એટલે કે 45 ઉમેદવારો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે. આ ઉપરાંત આપ પાર્ટીના ઓછામાં ઓછા આઠ ટકા ઉમેદવારો સામે હત્યાની કોશિશ કરવી જેવા અત્યંત ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે.
ભાજપના 27 અને કોંગ્રેસના 25 ઉમેદવારો ‘દાગી’
આ રિપોર્ટ અનુસાર ભાજપે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 250 ઉમેદવારો ઉભા રાખ્યા છે જેમાંથી 27 ઉમેદવારો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે, તેવી જ રીતે કોંગ્રેસે આ ચૂંટણીમાં ઉભા કરેલા 245માંથી 25 ઉમેદવારો સામે પણ વિવિધ ગુનાઇત કેસ ચાલી રહ્યા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ” ટકાવારીની રીતે આમ આદમી પાર્ટીના 248 ઉમેદવારોમાંથી 18 ટકા, ભાજપના 249 ઉમેદવારોમાંથી 11 ટકા અને કોંગ્રેસના 245 ઉમેદવારોમાંથી 10 ટકા વિરુદ્ધ ફોજદારી કેસ ચાલી રહ્યાછે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાલુ વર્ષે 4 ડિસેમ્બરે યોજાનારી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે જેની માટે વિવિધ રાજકીય પક્ષોના 1,349 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.
ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું
ADR અને દિલ્હી ઇલેક્શન વોચ દ્વારા 1,349 માંથી 1,336 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલો અનુસાર, આ વર્ષે ચૂંટણી લડી રહેલા ઓછામાં ઓછા 139 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલો છે અને તેમાંથી છ ટકા ઉમેદવારોએ તેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા હોવાની માહિતી આપી છે. આ અહેવાલમાં જણાવાયુ છે કે, માત્ર એક જ ઉમેદવારે એફિડેવિટમાં તેમની વિરુદ્ધ હત્યા સંબંધિત કેસ (IPC સેક્શન-302)ની માહિતી જાહેર કરી છે.

છ ઉમેદવારો વિરુદ્ધ હત્યાનો કેસ
ADR રિપોર્ટ અનુસાર, દિલ્હીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉભેલા છ ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યાના પ્રયાસ (આઈપીસીની કલમ 307) સંબંધિત કેસ જાહેર કર્યા છે.
MCDની ચૂંટણીમાં 60 ઉમેદવારો 'અભણ'
આ અહેવાલ અનુસાર, ભણતરની બાબતે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડનારા 35 ટકાથી વધુ ઉમેદવારો સ્નાતક છે, જ્યારે ચાર ટકા ‘અભણ’ છે. તો કુલ 1,349માંથી 752 ઉમેદવારો એટલેકે 56 ટકા એ તેમની શૈક્ષણિક લાયકાત પાંચથી 12 ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે.
તો 487 (36 ટકા) ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સ્નાતક અથવા તેથી વધારે છે, 12 ઉમેદવારો ડિપ્લોમાની ડિગ્રી ધરાવે છે, 20 ઉમેદવારોએ પોતાને માત્ર સાક્ષર તરીકે જાહેર કર્યા છે અને આશ્ચર્યજનક રીતે 60 ઉમેદવારોએ પણ ચૂંટણી લડવાના ફોર્મ ભર્યા છે.
સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભાજપના
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી વધુ કરોડપતિ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી (BJP)ના છે એવો દાવો ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR)ના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર આ ચૂંટણીમાં ટોપ-3 સૌથી ધનિક ઉમેદવારોમાંથી બે ભાજપના અને એક આમ આદમી પાર્ટી (AAP)ના છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 2.27 કરોડ રૂપિયા જેટલી છે.