Gujarat Assembly election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 19 જીલ્લાઓની 89 સીટો ઉપર વોટિંગ થઈ રહ્યું ચે. 788 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે. આ વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ બાળાસાહેબ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કરતા ગુજરાતીઓને સલાહ આપી હતી.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વીટર ઉપર બાળ ઠાકરેનો જૂનો વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયોમાં શિવસેનના સંસ્થાપકે કહ્યું હતું કે મોદી વગર ગુજરાત નહીં ચાલી શકે. આ ટ્વીટમાં રવિન્દ્ર જાડેજા લખે છે કે “હજી પણ સમય છે, ગુજરાતીઓ સમજી જાઓ”
જામનગર ઉત્તર સીટના ભાજપના ઉમેદવાર છે રિવાબા
ઉલ્લેખનીય છે કે પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. પત્ની માટે જાડેજા જોરદાર પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેન કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે રિવાબાએ કહ્યું હતું કે પરિવારમાં કોઈ મતભેદ નથી. આ માત્ર વિચારધારાનો મામલો છે. રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજા કોંગ્રેસના સભ્ય છે. તેમણે રિવાબા જાડેજા સામે પ્રચાર પણ કર્યો હતો.
રાજકોટમાં મત આપ્યા બાદ ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ કહ્યું હતું કે “આ રાજનીતિમાં પહેલીવાર નથી થઈ રહ્યું કે એક જ પરિવારના લોકો અલગ અલગ પાર્ટી સાથે જોડાયેલા હોય. મને જામનગરની જનતા ઉપર વિશ્વાસ છે. અમે સમગ્ર વિકાસ ઉપર ધ્યાન આપીશું. આ વખતે પણ ભાજપ સારા માર્જીન સાથે જીતશે”