ગુજરાત વિધાનસભા ચૂંટણી માથે છે. ત્યારે ભાજપનું ગઢ સુરતમાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત શહેર ભાજપના ભૂતપૂર્વ ઉપપ્રમુખ પી.વી.એસ. શર્માએ મંગળવારે શાસક પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતુ. આ સાથે તેને ગંભીર આરોપ લગાવ્યો છે કે જ્યારથી સી.આર.પાટીલની ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણૂક થઇ છે તે સમયથી પાર્ટી તેમની ઉપેક્ષા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગમાં ભૂતપૂર્વ સહાયક કમિશનર રહી ચૂકેલા પી.વી.એસ. શર્માએ નોકરીમાંથી રાજીનામું આપીને રાજકારણમાં પોતાની કિસ્મત અજમાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પી.વી.એસ. શર્માએ સી.આર.પાટીલને લખેલા પત્રમાં વધુમાં ઉલ્લેખ કર્યો હતો કે, જે સંગઠનમાં 15 વર્ષથી વધુ સેવા આપી હોય તેને છોડવાનો વિચાર પણ હચમચાવી દેનારો છે. ત્યારે અસહ્ય પીડા બાદ મેં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. કારણ કે મારી અંતરાત્મા આ તિરસ્કાર બાદ પક્ષ સાથે જોડાયેલા રહેવાની અનુમતી દેતી નથી. તમને જણાવી દઇએ કે શર્માએ આપેલા રાજીનામાની કોપી ધ ઇન્ડિયન એક્પ્રેસ પ્રત્યક્ષદર્શીઓ માટે અહીં લાવ્યા છીએ. તો આવો વાંચીએ…
અજાણ્યા કારણોસર તેમજ રાજ્ય પક્ષના સારા નેતૃત્વ માટે જાણીતા હોવા છતાં છેલ્લા 2 વર્ષથી મારી સાથે બદલો લેવાની ભાવના સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે અથવા જ્યારથી તમે રાજ્ય પક્ષના અધ્યક્ષ બન્યા છો ત્યારથી મારી સાથે આ પ્રકારે વર્તન થઇ રહ્યું છે. એવામાં તમારા નેતૃત્વ હેઠળ પાર્ટીના સભ્ય તરીકે ટકી રહેવું મુશ્કેલ છે. જેને પગલે હું તાત્કાલિક ધોરણે ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્ય પરથી રાજીનામું આપું છું.
એ વાતથી તમે વાકેફ જ છો કે સુરતના અમુક લાલચી ટેક્સ ઓફિસરોના માથાભારે અને જબરદસ્તી ડરાવી ધમકાવીને વસૂલી કરવાના વ્યવહારથી નાના નિર્દોષ વેપારીઓ, નાના અથવા મધ્ય વર્ગના ઉધોગપતિઓ તેમજ ઉદ્યોગસાહસિકોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. હું આ માટે ઇમાનદારીથી આ ઘટના સાથે સંકળાયેલા અધિકારીઓની યાદી તૈયાર કરવાના પ્રયાસમાં હતો. જે માટે હું લોકોના હિતમાં કાર્ય કરવાની અપેક્ષા સાથે પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓને મળ્યો હતો.
જોકે મને તેમની પાસેથી નિરાશા જ મળી હતી. આ સાથે જે ઓફિસરો વિરુદ્ધ મેં પુરાવા આપ્યા હતા. તે અધિકારીઓએ મારી ઘરે દરોડા પાડી દીધા અને મને ખોટા કેસમાં ફસાવી મારી ઘરપકડ કરાવી હતી. આ સાથે મારા પરિવારને પણ પરેશાન કર્યા હતા. પી.વી.એસ. શર્માએ પત્રમાં વધુમાં ખુલાસો કર્યો છે કે, સમગ્ર મામલે ઇડીને પણ મને જેલમાં રાખવા માટે મારી વિરૂદ્ધ ખોટા કેસો દાખલ કરવા મજબૂર કરવામાં આવ્યાં હતા.
પી.વી.એસ. શર્માએ વધુ એક આરોપ લગાવ્યો છે કે, પાર્ટીએ મને કઠિન સમયમાં કોઇ મદદ કરી નથી. જ્યારે તે એવો દાવો કરે છે કે, ભાજપ એક પરિવાર છે, જે તેના કાર્યકર્તાઓની ચિંતા અને તેના કઠિન સમયમાં પડખે રહે છે.
શર્માના સંદર્ભે ગુજરાતમાં સી.આર.પાટીલની આગેવાની હેઠળની બીજેપી લોકો અને પાર્ટીમાં અથાગ પરિશ્રમ કરનારા કાર્યકર્તાઓની રક્ષા અને સમર્થન કરવામાં અત્યંત ખરાબ રીતે નિષ્ફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં ઉમરા પોલીસે સરકારી જાહેરાતના પેજમાં તેના સત્યમ ટાઇમ્સ અખબાર માટે ખોટા સર્કયુલેશન આંકડાનો દાવો કરવાના આરોપમાં પી.વી.એસ.શર્માની ધરપકડ કરી હતી.
ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ સાથે વાત કરતા શર્માએ જણાવ્યું હતુ કે, મેં નિર્ણય લીધો છે. કારણ કે મને સી.આર.પાટીલના નેતૃત્વવાળી પાર્ટીમાં અનુકૂળ લાગતુ ન હતું. મારા વિરુદ્ધ કેસ દાખલ કરી મને એકલો કરી નાંખ્યો અને મારા કઠિન સમયમાં મારી મદદ કરનાર કાર્યકર્તાઓને પાર્ટીના નેતાઓએ ઘમકી આપી હતી. ત્યારે મને એ સમયે ખુબ પીડા થઇ અને મારા પરિવારને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ અંતે મેં ભારે દુ:ખ અને પીડા સાથે પાર્ટી છોડવાના તરફેણમાં નિર્ણય લીધો.
હૈદરાબાદના રહેવાસી શર્માએ વધુમાં કહ્યું હતું કે, હું કંઇ પાર્ટીમાં જઇશ એ અંગે હજુ વિચાર્યું નથી. પરંતુ અનેક પાર્ટીઓ સાથે સંપર્ક છે. ત્યારે આગામી દિવસોમાં તસવીર સાફ થઇ જશે.