ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ગુરૂવારે પ્રથમ તબક્કાનું સરેરાશ 59 ટકા જેટલું જ મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતાં ઓછું છે. સવારથી મતદાન મથકોએ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે બપોરે નિરસતા દેખાઇ હતી. રાજ્યના 19 જિલ્લાની 89 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. રાજ્યમાં એકંદરે ઓછું મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી કોને ફાયદો થાય? આ મુદ્દો ચર્ચાસ્પદ છે. વર્ષ 2017ની ચૂંટણીના પરિણામ ચકાસીએ તો આંકડા રસપ્રદ છે.
ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન થશે જે 93 બેઠકો માટે હશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં મતદાન અંગેની વિગતો ચકાસીએ તો ભાજપ કોંગ્રેસ માટે જીતના સમીકરણ રસપ્રદ છે.
ઉંચુ મતદાન ભાજપ માટે કપરા ચઢાણ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સૌની નજર છે. આ સંજોગોમાં ગત ચૂંટણીના મતદાન અને પરિણામના આંકડા ચકાસીએ તો ઉંચુ મતદાન ભાજપ માટે કપરા ચઢાણ જેવું સાબિત થઇ રહ્યું છે. જ્યારે ઓછા મતદાનવાળી બેઠકો ભાજપને ફળી છે. 80 ટકાથી ઉપરનું મતદાન ભાજપને જીત માટે તડપાવી રહ્યું છે તો 70થી 80 ટકા વચ્ચેનું મતદાન ભાજપ કોંગ્રેસ માટે એકંદરે સરખું ફળી રહ્યું છે. જ્યારે 70 ટકાથી ઓછું મતદાન ભાજપ માટે આર્શીવાદ સમાન દેખાય છે. 89 બેઠકો પૈકી ભાજપને 48, કોંગ્રેસને 38 અને અન્યને ત્રણ બેઠકો મળી હતી. જેમાં 70 ટકાથી નીચે મતદાન વાળી બેઠકો પર ભાજપને સૌથી વધુ જીત મળી હતી.
મતદાન ટકાવારી | ભાજપ જીત | કોંગ્રેસ જીત | અન્ય | કુલ |
80 થી વધુ | 00 | 03 | 02 | 05 |
75થી 80 | 04 | 04 | 00 | 08 |
70થી 75 | 07 | 08 | 00 | 15 |
65થી 70 | 16 | 09 | 00 | 25 |
60 થી 65 | 16 | 12 | 00 | 28 |
55 થી 60 | 04 | 02 | 01 | 07 |
50 થી 55 | 01 | 00 | 00 | 01 |
કુલ | 48 | 38 | 03 | 89 |
80 ટકાથી વધુ મતદાન કોંગ્રેસના હાથમાં
પ્રથમ તબક્કામાં 80 ટકા કરતાં વધુ મતદાન ભાજપને ફળ્યું નથી. આ રસપ્રદ તારણ વર્ષ 2017ની ચૂંટણીના આંકડા પરથી જાણી શકાય છે. વર્ષ 2017 ના ચૂંટણી પરિણામ આંકડા ચકાસીએ તો પ્રથમ તબક્કાની 89 બેઠકો પર સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું. જેમાં 80 ટકા કરતાં વધુ મતદાન પાંચ બેઠકો પર થયું હતું. જેમાંથી માંડવી, નિઝર અને કપરાડા ત્રણ બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. જ્યારે ડેડીયાપાડા અને ઝઘડિયા બે બેઠકો બીટીપીને મળી હતી. જ્યારે ઉંચા મતદાન વાળી એકેય બેઠક ભાજપને મળી ન હતી.
બેઠક ક્રમાંક | બેઠકનું નામ | મતદાન | જીત |
149 | ડેડીયાપાડ | 85.50 | બીટીપી |
152 | ઝઘડિયા | 81.44 | બીટીપી |
157 | માંડવી | 80.45 | કોંગ્રેસ |
172 | નિઝર | 80.80 | કોંગ્રેસ |
181 | કપરાડા | 84.23 | કોંગ્રેસ |
70 થી 80 ટકા મતદાન, કોંગ્રેસ સહેજ ઉપર
80 ઉપરનું મતદાન કોંગ્રેસને ફળ્યું છે તો 70થી 80 વચ્ચેનું મતદાન પણ એકંદરે કોંગ્રેસ માટે સારૂ રહ્યું છે. ગત ચૂંટણીમાં 70થી 80 ટકા વચ્ચેના મતદાનવાળી 23 બેઠકો પૈકી ભાજપનો 11 બેઠક પર વિજય થયો હતો જ્યારે 12 બેઠકો કોંગ્રેસના હાથમાં આવી હતી.
બેઠક ક્રમાંક | બેઠક | મતદાન | જીત |
90 | સોમનાથ | 75.98 | કોંગ્રેસ |
148 | નાંદોદ | 76.43 | કોંગ્રેસ |
156 | માંગરોળ | 77.77 | ભાજપ |
170 | મહુવા | 76.92 | ભાજપ |
177 | વાંસદા | 77.62 | કોંગ્રેસ |
178 | ધરમપુર | 78.39 | ભાજપ |
151 | વાગરા | 77.03 | ભાજપ |
171 | વ્યારા | 77.73 | કોંગ્રેસ |
02 | માંડવી | 71.16 | ભાજપ |
64 | ધ્રાંગધ્રા | 70.04 | કોંગ્રેસ |
65 | મોરબી | 71.74 | કોંગ્રેસ |
66 | ટંકારા | 74.50 | કોંગ્રેસ |
67 | વાંકાનેર | 74.89 | કોંગ્રેસ |
72 | જસદણ | 73.95 | કોંગ્રેસ |
74 | જેતલપુર | 71.00 | ભાજપ |
91 | તલાલા | 70.22 | કોંગ્રેસ |
150 | જંબુસર | 70.55 | કોંગ્રેસ |
154 | અંકલેશ્વર | 71.31 | ભાજપ |
169 | બારડોલી | 71.32 | ભાજપ |
173 | ડાંગ | 73.81 | કોંગ્રેસ |
174 | જલાલપોર | 72.05 | ભાજપ |
175 | નવસારી | 71.29 | ભાજપ |
176 | ગણદેવી | 74.09 | ભાજપ |
70 ટકાથી ઓછું મતદાન, ભાજપ માટે ફાયદારૂપ
વર્ષ 2017 ચૂંટણીના પરિણામની વાત કરીએ તો પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ઓછા મતદાનવાળી બેઠકો પર ભાજપને ફાયદો થયો છે. 70 ટકાથી ઓછા મતદાનવાળી બેઠકો પૈકી 61 ટકા બેઠકો પર ભાજપને જીત મળી હતી. જ્યારે કોંગ્રેસને 38 ટકા બેઠકો મળી હતી. 70 ટકાથી ઓછા મતદાનવાળી 61 બેઠકો પૈકી 37 બેઠકો પર કમળ ખીલ્યું હતું. જ્યારે 23 બેઠકો કોંગ્રેસના હાથમાં આવી હતી. જ્યારે એક બેઠક એનસીપીને મળી હતી.
ગત ચૂંટણીમાં પાટીદાર, આ વખતે આપ
ગત ચૂંટણીમાં ભાજપ સામે પાટીદાર મોટું ફેક્ટર હતું. પાટીદાર અનામત આંદોલનના સામા વાવાઝોડા વચ્ચે પણ ઓછા મતદાનવાળી બેઠકો પર ભાજપને સારી સફળતા મળી હતી. તો આ વખતે ભાજપ કોંગ્રેસના સીધા જંગમાં આમ આદમી પાર્ટી ઉમેરાતાં ત્રિપાંખીયા જેવી સ્થિતિ છે. હવે જોવાનું એ છે કે આમ આદમી પાર્ટી ભાજપ કે કોંગ્રેસ કોના મત તોડે છે.
વર્ષ 2017ના પરિણામની વાત કરીએ તો પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠકો પૈકી ભાજપને 48 બેઠક પર ભાજપને જીત મળી હતી જ્યારે 38 બેઠકો પર કોંગ્રેસને જીત મળી હતી. જ્યારે બે બેઠકો બીટીપી અને એક બેઠક એનસીપીને મળી હતી.