ગુજરાત વિધાનસભા ચૂંટણી આવતા મહિને યોજાશે. ત્યારે નવસારીના 18 ગામના લોકોએ પોતાની પડતર માંગ ન સંતોષાતા સત્તાધીશો સામે આક્રોશમાં આવી એલાન કર્યું છે. એકસાથે 18 ગામના લોકોએ આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. નવસારીના અંચેલી સહિત 17 પાડોશી ગામના લોકોએ સહમતિથી આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આ ગામના લોકો અંચેલી રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનને રોકવાની માંગ સરકારને કરી રહ્યા છે. જે પૂર્ણ ન થતાં ગ્રામજનો ઉશ્કેરાયા છે. કોરોના મહામારી સમયે અહીંયા લોકલ ટ્રેનોની અવરજવર પર રોક લગાવાવામાં આવી છે. એવામાં અંચેલી રેલવે સ્ટેશન પર ફરી લોકલ ટ્રેનની સેવા શરૂ કરવામાં આવે તેવી છેલ્લા કેટલાક સમયથી માંગ કરી રહ્યા છે. કારણ કે આ સેવા બંધ હોવાથી મુસાફરોને પ્રાઇવેટ વાહન દ્વારા મુસાફરી પાછળ પ્રતિદિન 300 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે.
સમગ્ર મામલાને લઇ રેલવે ઉપયોગકર્તા સલાહકાર સમિતિના જોનલ સભ્ય છોટુ પાટિલનું નિવેદન સામે આવ્યું છે. છોટુ પાટિલના મતે, લોકો હાથમાં પોસ્ટર લઇ વોટ નહીં આપવાની જાહેરાત કરી છે. મોટી સંખ્યામાં લોકો એકઠાં થઇ પ્રદર્શન કરી રહ્યા છે. આ લોકોના હાથમાં રહેલા પોસ્ટરમાં લખ્યું છે કે, ‘નો ટ્રેન નો વોટ’
આ સાથે ગ્રામજનોએ શાસક પક્ષ ભાજપ સહિત રાજકીય નેતાઓને અભિયાનો માટે ગામમાં પ્રવેશ પર બેનરો લગાવી પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રકારે નવસારી 18 ગામના લોકોએ રોષ ઠાલવ્યો છે.
એવા સંજોગોમાં છોટુ પાટિલે જણાવ્યું હતું કે, રેલવે મંત્રીને આ મામલે આગ્રહ કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે અને વોટિંગ મશીન ઇવીએમને ખાલી પરત મોકલશે.
લોકલ ટ્રેનની સેવા આ વિસ્તારમાં બંધ થવાથી મુસાફરોના ખિસ્સા પર તો ભાર વધ્યો જ છે. પરંતુ વિધાર્થીઓના અભ્યાસને પણ નુકસાન પહોંચી રહ્યુ છે. વિધાર્થી પ્રાચી પટેલે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, અભ્યાસમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કોલેજ સમસયસર ન પહોંચવાને પગલે એક લેક્ચર છોડવો પડે છે.
આ પણ વાંચો: રિવાબા સોમવારે ઉમેદવારીપત્ર ભરશે, પત્નીના સમર્થનમા પતિ રવિન્દ્ર જાડેજાએ કરી આવી અપીલ
અંચેલી નવસારીમાં પશ્વિમ રેલવે અમલસાદ અને વેદછા રેલવે સ્ટેશન વચ્ચે આવે છે. ત્યારે આ ગામના લોકોએ મુંબઇથી સુરત જનાર ટ્રેન અને સૂરત ઇંટકસિટી એક્પ્રેસને અંચેલી રેલવે સ્ટેશન પર રોકવાની માંગ કરી છે. કારણ કે નવસારીના આ ગામના લોકોએ નોકરી, અભ્યાસ તેમજ અન્ય મહત્વના કાર્યો માટે વલસાડ તથા સૂરત જવું પડતુ હોય છે. એવામાં આ લોકો નિયમિતરૂપે આ ટ્રેનોનો ઉપયોગ કરે છે.





