Rivaba Jadeja : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જામનગર ઉત્તરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ઉમેદવાર બનાવ્યા છે. રિવાબા સોમવારે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે. આ વાતની જાણકારી રવિન્દ્ર જાડેજાએ એરક વીડિયોના માધ્યમથી આપી છે.
રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહે છે કે જય માતાજી, હું છું રવિન્દ્ર સિંહ જાડેજા. મારા વાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટપ્રેમીઓ આપ બધા જાણો છો કે વિધાનસભાની ચૂંટણી આવી ગઇ છે અને ટી-20ની જેમ ઝડપથી આગળ વધી રહી છે. તો મારા પત્ની રિવાબા જાડેજા પર ઉમેદવારીનો કળશ તમારા સૌના ભરોસે ભાજપના નેતાઓએ ઢોળ્યો છે. તો આવતીકાલે 14-11-2022 ના રોજ તે ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો જામનગરની જનતાને, ભાજપને અને જડ્ડુના ક્રિકેટપ્રેમીઓને શોભે તેવો વિજય માહોલ બનાવવાની જવાબદારી તમારા સૌના ઉપર છે. તો ચાલો આવતીકાલે સવારે 11 કલાકે આપણે મળીએ. જય માતાજી.
કોણ છે રિવાબા જાડેજા?
રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો – જીતુ વાઘાણી ઈન્ટરવ્યૂ : ‘હું શ્રોતાઓને કહું છું નરેન્દ્રભાઈ તો માત્ર નિમિત છે, જેને ભગવાને અને તમે પસંદ કર્યા છે’
કરણી સેનામાં પણ રહ્યા છે સક્રિય
રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. ત્યારથી બીજેપીના તમામ કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચુક્યા છે.
રિવાબા જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી
ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા, કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રિવાબા પોતાનો વધારે સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. રાજકોટમાં તેમની એક રેસ્ટોરન્ટ છે જ્યારે જામનગરમાં ઘર છે.