ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : ભારતીય નેશનલ કોંગ્રેસે આપી હતી પ્રથમ ગુજરાત સરકાર

Gujarat Election Result 2022: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાયેલ વિધાનસભા ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ગુજરાતના પ્રથમ ચૂંટણી જંગમાં કોંગ્રેસને મળ્યો હતો જનાદેશ.

Written by Haresh Suthar
Updated : December 07, 2022 10:44 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : ભારતીય નેશનલ કોંગ્રેસે આપી હતી પ્રથમ ગુજરાત સરકાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી - કોંગ્રેસે નિરીક્ષકો ગોઠવ્યા

Gujarat Assembly Election Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 1962 ની વાત કરીએ તો ભારતીય નેશનલ કોંગ્રેસે આપી હતી પ્રથમ ગુજરાત સરકાર. 50.84 ટકા વોટ શેર સાથે કોંગ્રેસે જન મત મેળવ્યો હતો અને ડો. જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થનાર છે. ગુજરાત ચૂંટણી પરિણામની વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ ચૂંટણી જંગ વર્ષ 1962 માં યોજાયો હતો. બૃહદ મહારાષ્ટ્રથી ગુજરાત 1લી મે 1960 ના રોજ અલગ થયું હતું અને 1962 માં પ્રથમ વિધાનસભા માટે ચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી 154 બેઠકો માટે યોજાઇ હતી.

સરેરાશ 63.29 ટકા મતદાન

ગુજરાતના પ્રથમ ચૂંટણી જંગમાં 519 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો. જેમાં સરેરાશ 63.29 ટકા જેટલું મતદાન થયું હતું. રાજ્યના કુલ 95,34,974 મતદારો પૈકી 31,54,080 પુરૂષ અને 23,73,343 મહિલા મળી કુલ 55,27,423 મતદારોએ મતદાન કર્યું હતું.

પ્રથમ ચૂંટણીમાં 11 મહિલા વિજયી

ગુજરાતની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ 11 મહિલા ધારાસભ્યો રાજ્યને આપ્યા હતા. રાજ્યની 154 બેઠકોની ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારો મેદાને હતી. જે પૈકી વઢવાણ, જામનગર, વિસાવદર, મહેસાણા, બાલાસિનોર, દાહોદ, ડભોઇ, ઝઘડિયા, મહુવા, સુરત શહેર પશ્વિમ અને વલસાડ બેઠક મળી 11 મહિલા ઉમેદવારોની જીત થઇ હતી.

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળ્યો જનાદેશ

ગુજરાતના પ્રથમ ચૂંટણી જંગમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને ભારે જનાદેશ મળ્યો હતો. 154 બેઠકો પૈકી કોંગ્રેસને 113 બેઠકો પર જીત મળી હતી. કોંગ્રેસને 50.84 ટકા વોટ શેર મળ્યો હતો. જ્યારે સ્વતંત્ર પાર્ટીને 26 બેઠકો પર જીત મળી હતી. સ્વતંત્ર પાર્ટીએ 105 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જેમને સરેરાશ 24.43 ટકા વોટ શેર મળ્યો હતો.

પાર્ટીઉમેદવારજીતવોટ શેર
ભારતીય નેશનલ કોંગ્રેસ15411350.84
સ્વતંત્ર પાર્ટી1052624.43
પ્રજા સામાજિક પાર્ટી5377.74
નૂતન મહા ગુજરાત જનતા પરિષદ2012.51
અપક્ષ131712.02
ભારતીય જન સંઘ2601.33
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા100.18
હિન્દુ મહા સભા1200.49
રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા1300.41
રામ રાજ્ય પરિષદ200.02
સોશિયાલિસ્ટ પાર્ટી200.03
કુલ519154
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 1962, કયા પક્ષને કેટલી બેઠક મળી

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ નારાયણ મહેતા બન્યા હતા. ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી અમરેલી બેઠકે આપ્યા હતા. બૃહદ મહારાષ્ટ્રથી 1લી મે 1960થી અલગ થયેલા ગુજરાતના પ્રારંભિક મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા હતા. વર્ષ 1962 માં થયેલી ગુજરાતની પ્રથમ વિધાનસભા ચૂંટણી બાદ તેઓ 3 માર્ચ 1962 ના રોજ મુખ્યમંત્રીના શપથ લીધા હતા.

ભારતીય જન સંઘનું ખાતું ન ખુલ્યું

હાલની ભારતીય જનતા પાર્ટી અગાઉ ભારતીય જનસંઘ તરીકે ઓળખાતી હતી. ગુજરાતની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનસંઘે 26 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જોકે એકેય બેઠક પર જીત મળી ન હતી. જનસંઘને સરેરાશ 1.33 ટકા વોટ શેર મળ્યો હતો. પરંતુ હાલમાં ભાજપનો દબદબો છે.

આ પણ વાંચો : એક્ઝિટ પોલ, ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર…

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ પૂર્વે થયેલા એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત મળતો દેખાઇ રહ્યો છે. એક્ઝિટ પોલ આધારે ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર આવે છે. 8 ડિસેમ્બર મત ગણતરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ