કોડાફાડ અને આકરા કહેવાતા ઉત્તર ગુજરાતીઓ હાલમાં સાચે જ આકરા પાણીએ છે. બે દાયકાથી સત્તા ભોગવી રહેલા ભાજપ માટે પણ જીતનો રસ્તો આસાન નથી. ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા છે અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં અહીં મતદાન થવાનું છે. મતદારો શું કરશે? કોનું પલ્લુ ભારે કરશે અને કોને જીત અપાવશે, કળવું મુશ્કેલ બની રહ્યું છે.
પથ્થરમાંથી પણ પાણી કાઢી બતાવે એનું નામ ઉત્તર ગુજરાત. સૂકા ભઠ વિસ્તાર તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતે દાયકાઓ સુધી પાણીની તંગી સહી છે. છાશવારે દુષ્કાળ જેવી કુદરતી આપતાઓથી તપીને ઉત્તર ગુજરાત છેવટે પશુપાલન અને નર્મદાના નીર પહોંચતાં હવે બે પાંદડે થયો છે. પાણી વગર તરસીને સધ્ધર થવા તરફ આગળ વધી રહેલ ઉત્તર ગુજરાત આજકાલ રાજકીય પક્ષો માટે આકરા પાણીએ છે અને એમાંય ખાસ કરીને સત્તાધીશ ભાજપ માટે. છેલ્લા બે દાયકાથી ઉત્તર ગુજરાતમાં ભાજપનો જાદુ આસરી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી સત્તા સંભાળી રહેલ ભારતીય જનતા પાર્ટી માટે પણ ઉત્તર ગુજરાત હવે સેફ ઝોન નથી રહ્યો. એક સમય હતો કે ભારતમાં ભાજપની બે સીટ આવતી હતી ત્યારે એક બેઠક ઉત્તર ગુજરાતે આપી હતી. પરંતુ બદલાયેલા સમીકરણોને લીધે ઉત્તર ગુજરાતીઓ પણ જાણે સત્તાધારી પાર્ટીથી મોં ફેરવી રહ્યા છે.
વિધાનસભા ચૂંટણી : ઉત્તર ગુજરાતનું ચિત્ર, કોને કેટલી બેઠક મળી
ચૂંટણી | ભાજપ | કોંગ્રેસ | અપક્ષ |
2002 | 18 | 14 | 01 |
2007 | 25 | 08 | 00 |
2012 | 15 | 17 | 00 |
2017 | 14 | 17 | 01 |
મહેસાણા જિલ્લાના વતની નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉત્તર ગુજરાત ભાજપને ખોબલે ખોબલે મત આપતું હતું. વર્ષ 2002માં ઉત્તર ગુજરાતની 33 બેઠકો પૈકી ભાજપને 18 બેઠકો પર જીત મળી હતી. જ્યારે વર્ષ 2007માં ભાજપને 25 બેઠકો પર જીત આપી હતી. જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર આઠ બેઠકો જ આવી હતી.
વર્ષ 2012 થી સમીકરણ બદલાયા અને ઉત્તર ગુજરાતે ભાજપને પાણી બતાવવાનું શરૂ કર્યું. વર્ષ 2012માં ભાજપને માત્ર 15 બેઠકો જ મળી અને સામે પક્ષે કોંગ્રેસના હાથમાં 17 બેઠકો આવી. ભાજપ સામેની નારાજગી અહીંથી ન અટકતાં વર્ષ 2017 માં પણ વધુ એક બેઠકના ઘટાડા સાથે ભાજપને 14 બેઠકો જ મળી અને કોંગ્રેસનો 17 બેઠક પર વિજય થયો.
હવે આ ચૂંટણી જંગની વાત કરીએ તો આ વખતે મોટી જીત માટે ભાજપે જીતના સમીકરણ બદલ્યા જરૂર છે પરંતુ આમ છતાં ભાજપ માટે સામો પવન ફૂંકાય એવી સ્થિતિ છે. વર્ષ 2017ની ચૂંટણી વખતે ભાજપની સામે પાટીદાર અનામત આંદોલનની અસર મોટી સમસ્યા હતી. જેના સમાધાન રૂપે ભાજપે આ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને ભાજપમાં સમાવી એ અસર ખાળવા પ્રયત્નો જરૂર કર્યા છે. પરંતુ એની ખાસ અસર અહીં દેખાઇ નથી.
પોતાના જ સામે પડ્યા
બીજી તરફ ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર ગુજરાતની ધાનેરા, ડિસા, ખેરાલુ અને બાયડ ચાર બેઠકો પર ભાજપના જ નેતાઓ ટિકિટ ન મળતાં અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં મેદાને પડ્યા છે. શિસ્તબધ્ધ કહેવાતા ભાજપમાં પણ હવે નેતાઓ ગણગણાટ કરે એ તો ઠીક પરંતુ ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારી કરે એ ભાજપ માટે આ વખતે મોટો પડકાર છે.
પેટા ચૂંટણી પણ ફળી નહીં
ગત વર્ષ 2017 ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો પર અટકી ગયું હતું. જે બાદ કોંગ્રેસી ધારાસભ્યોનું ભાજપીકરણ શરૂ થયું હતું. 2017 બાદ રાજ્યમાં એકંદરે દર વર્ષે પેટા ચૂંટણીનો જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા બાદ ખાલી પડેલી મોટા ભાગની બેઠકો ભાજપના હાથમાં આવી હતી. જોકે ઉત્તર ગુજરાતે ફરી એકવાર ભાજપને પેટા ચૂંટણીમાં પણ તરસ્યો રાખ્યો હતો.
એક ગુમાવી, એક ટકાવી રાખી
સંસદ સભ્ય બનતાં ભરતસિંહ ડાભીએ રાજીનામું આપતાં ખાલી પડેલી ખેરાલુ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આ બેઠક ભાજપે જાળવી રાખી હતી. જ્યારે પરબતભાઇ પટેલ વાળી થરાદ બેઠક પેટા ચૂંટણીમાં ભાજપને ગુમાવવી પડી હતી. જ્યારે કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં ખાલી પડેલી રાધનપુર અને બાયડ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ આ બેઠક પર વિજયી બની હતી. જ્યારે ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ઝાલાની હાર થઇ હતી.
ગુજરાત ચૂંટણી 2022 લેટેસ્ટ અપડેટ જાણવા અહીં ક્લિક કરો
ભાજપ હોય કે કોંગ્રેસ બંને માટે ઉત્તર ગુજરાત મહત્વનું છે. ભાજપ પોતાની શાખ ટકાવી રાખવા અને સત્તાનો દોર વધુ મજબૂત કરવા માટે ઉત્તર ગુજરાત પર પોતાની પકડ વધુ કરવા મથી રહ્યું છે તો સામે પક્ષે કોંગ્રેસને તો જાણે વકરો એટલો નફો જેવી સ્થિતિ છે. આ વખતે આમ આદમી પણ રાજ્યમાં ચૂંટણી જંગમાં ઉતરી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં એટલું ખાસ કંઇ દેખાતું નથી પરંતુ આપ જે કોઇ પણ મત તોડશે એ ભાજપ કોંગ્રેસ માટે અસરકારક હશે.