/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/pm-modi-gujarat-election-mehsana.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં ચૂંટણી સભાને સંબોધી
આજે જ્યારે હું મારા ઘરે આવ્યો છું, મારા ગામમાં આવ્યો છું, એક દિકરા તરીકે મારો માંગવાનો હક ખરો કે નહીં? લાગણીસભર આ શબ્દો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મહેસાણામાં જાણે ભાજપની જીતનો રસ્તો પાક્કે પાયે કરી દીધો. પીએમ મોદીએ ઘરના એક દિકરા તરીકે પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરી અને સાથોસાથ ભાજપના વિકાસનો રોડ મેપ પણ સમજાવી દીધો અને વિરોધીઓને એમની ભાષામાં ઇશારો પણ કરી દીધો.
મહેસાણા જિલ્લાની સાત બેઠકો માટે આગામી 5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. અહીંના એરોડ્રામ મેદાન ખાતે વિજય સંકલ્પ સંમેલનમાં વિશાળ જનમેદનીને સંબોધતાં મોદીએ પોતિકાપણાનો ભાવ રજુ કર્યો હતો. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની દાયકાઓ જુની સમસ્યાઓને ભાજપ સરકારે છેલ્લા 20 વર્ષમાં કેવી રીતે દુર કરી એનો ચિતાર રજૂ કર્યો. પાણી, વીજળી, શિક્ષણ સહિત મુદ્દા પર વિગતે વાત કરી અગાઉની કોંગ્રેસ સરકાર સામે નિશાન પણ તાક્યું અને મતદારોને વિકાસની રાજનીતિના પાઠ પણ યાદ કરાવી દીધો. મોદીના સ્ટ્રોકના મુદ્દાઓને સમજવા પ્રયાસ કરીએ…
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/PM-Modi-Mehsana-Nirmal-Harindra-5.jpeg)
રાજકીય કૂનેહ અને જનતાની નાડ પારખવામાં માહેર મોદી માદરે વતનમાં હોય એટલે તો કહેવા જેવું કંઇ હોય જ નહીં. આ વિસ્તારની સમસ્યા કે અન્ય કઇ બાબત એવી નહીં હોય કે તેઓ એનાથી અજાણ હાય. આવા માહોલમાં જ્યારે જન સભાને કેવી રીતે સંબોધવીએ તેઓ સારી રીતે જાણે છે અને એટલે જ એમણે અહીંના પાયાના એક એક પ્રશ્નોને યાદ કર્યા અને એના સમાધાન કર્યાનો ગૌરવ પણ જાહેર કર્યો.
વડીલોને મારા પ્રણામ કહેજો...
વડાપ્રધાન મોદીએ મહેસાણાવાસીઓને પોતાના શબ્દોથી અભિભૂત કરતા કહ્યું કે, મારા ગામમાં આવ્યો છું ત્યારે મારી આપને વિનંતી ચૂંટણી તો જીતવાના જ છીએ. પરંતુ મારે વધુમાં વધુ મત પડે એની ચિંતા છે. બે હાથ ઉંચા કરી કહો, મતદાનના જુના રેકોર્ડ કરશો. કમળને ખીલવશો. ભાજપને જીતાડશો. દિકરા તરીકે માંગવાનો હક ખરો કે નહીં. મારૂ એક અંગત કામ છે તમે કરશો ને? 5મીએ મતદાન છે. હજુ 10 દિવસ જેટલો સમય છે. તમારે ઘરે ઘરે જવાનું અને વડીલોને મળજો અને મારો સંદેશો આપશો. આપણા નરેન્દ્રભાઇ મહેસાણા આવ્યા હતા. તમને પ્રણામ પાઠવ્યા છે. વડીલોના પ્રણામ પહોંચે એટલે મારી કામ કરવાની મારી તાકાત ડબલ થઇ જાય. ટાઇમના અભાવે નીકળી ગયા. પાક્કા પાયે, બોલો ભારત માતા કી જય
કોંગ્રેસ સામે તાક્યું નિશાન, આપને નજર અંદાજ...
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એવું પ્રતિત કરાવ્યું કે, મહેસાણા જિલ્લામાં ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટી ક્યાંય નથી. એમણે કોંગ્રેસ સામે જ નિશાન તાક્યું એ બતાવે છે કે ભાજપની લડાઇ કોંગ્રેસ સામે જ છે. કોંગ્રેસ શાસન વખતની પાણી, વીજળી સહિતની સમસ્યાઓ અને ભાજપ સરકારે કરેલા વિકાસની વાતો રજુ કરી મોદીએ મતદારોને ભાજપ તરફ પ્રેરીત કરવા પ્રયાસ કર્યો. અહીં નોંધનિય છે કે, ગત ચૂંટણીમાં જિલ્લાની સાત પૈકી બે બેઠકો પર કમળ ખીલ્યું ન હતું.
ઉત્તર ગુજરાતની મોટી સમસ્યા - પાણી
મહેસાણા સહિત ઉત્તર ગુજરાત એક સમયે નપાણીયું કહેવાતું. ઉત્તર ગુજરાતને સૂકો વિસ્તાર કહેવાતો. અહીં સિંચાઇ તો ઠીક પણ પીવાના પાણીના પણ ફાંફા હતા. પાણીની તંગી હતી એ અહીંની વાસ્તવિકતા હતી. ભાજપ સરકારે પાણીની સમસ્યાનો ઉકેલ કર્યો એ વાત કરી મોદીએ અગાઉની કોંગ્રેસ સરકારે કંઇ કર્યું નથી એ તરફ ઇશારો કરતાં યુવા વર્ગને સમજાવવા પ્રયાસ કર્યો કે આ ભાજપની સરકાર છે કે તમે આજે સુવિધા ભોગવી રહ્યા છો.
વીજળી - અંધારા દુર કરી પ્રકાશ પાથર્યો
અંધારૂ થાય એ પહેલા વાળું કરી લેજો…. મહેસાણા સહિત ગુજરાત માટે એક તબક્કે આવું કહેવાતું. પરંતુ ભાજપની સરકારે જ્યોતિગ્રામ યોજના શરૂ લોકોને 24 કલાક વીજળી આપી જેને લીધે આજે અંધકારમય જીંદગીમાં પ્રકાશ પથરાયો છે. કોંગ્રેસ સરકાર પર માછલાં ધોયા કે અગાઉની સરકારે લોકોની આ મામલે કોઇ દરકાર કરી ન હતી અને ભાજપે લોકોના જીવનમાં અંધારા દૂર કરી પ્રકાશ પાથર્યો.
ઉચ્ચ શિક્ષણની સુવિધા
મહેસાણા જિલ્લામાં આજે મેડિકલ, ઇજનેરીની કોલેજો, યુનિવર્સિટીઓ ચાલે છે. જ્યારે અગાઉ ઉચ્ચ અભ્યાસ માટે ખાસ વ્યવસ્થા ન હતી. આ મુદ્દે વાત કરતાં મોદીએ યુવા વર્ગને આકર્ષિત કરવા પ્રયાસ કર્યો અને અગાઉ શિક્ષણની ખાસ વ્યવસ્થા ન હોવાથી લોકો થોડું ભણી નોકરી કરી સંતોષ માની લેતા હતા જ્યારે આજે યુવા વર્ગ સામે ઉચ્ચ શિક્ષણ માટે પણ ખુલ્લુ આકાશ હોવાનું બતાવ્યું.
ઉદ્યોગ અને રોજગાર
ઉદ્યોગ રોજગાર મુદ્દે વાત કરતાં મોદીએ કોંગ્રેસ સામે તો નિશાન તાક્યું સાથોસાથ યુવા વર્ગ સામે રોજગારીની અનેક તકો ભાજપે ઉભી કરી હોવાનું દર્શાવ્યું. એક સમયે મહેસાણા જિલ્લામાં રોજગાર ધંધા ન હતા. પરંતુ ભાજપ સરકારના અથાગ પ્રયાસથી આજે બેચરાજી પંથક ઓટો હબ બની રહ્યો છે. જેનાથી યુવા વર્ગને રોજગારી ધંધા માટે અનેક તકો સાંપડી રહી છે.
સિંચાઇ અને પશુપાલન
સિંચાઇના મુદ્દા થકી ખેડૂત વર્ગને ભાજપ સાથે જોડ્યો. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં પાણીની તંગી હતી. જેને લીધે સિંચાઇ થઇ શકતી ન હતી. નહેરો પણ ખાસ ન હતી. પરંતુ ભાજપની સરકારે છેલ્લા 20 વર્ષમાં આ ક્ષેત્રે અથાગ મહેનત કરી સુજલામ સુફલામ થકી સિંચાઇ માટે પાણીની સુવિધા કરી. જેનાથી ખેડૂતોનું જીવનધોરણ સુધર્યું.
આ પણ વાંચો - આ માટીએ મને મોટો કર્યો, અહીંના પાણીએ ઘડ્યો છે...પીએમ મોદી
અહીં નોંધનિય છે કે મહેસાણા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માટે બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન થવાનું છે. વર્ષ 2017 ની ચૂંટણીમાં જિલ્લાની સાત બેઠકો પૈકી બેચરાજી અને ઊંઝા બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી જ્યારે મહેસાણા, વિજાપુર, વિસનગર, ખેરાલુ અને કડી બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us