ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને જામનગર ઉત્તર મતવિસ્તારમાંથી ટિકિટ મળી છે. ભાજપે રીબાવા જાડેજાને ટિકિટ આપવા માટે હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાની ટિકિટ કાપી નાખી છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની 31 વર્ષીય પત્ની રીવાબા માટે આ એક મોટું પગલું છે. મિકેનિકલ એન્જિનિયર રિવાબા, જેઓ સરકારી અધિકારી બનવા માગતા હતા, તેઓ માર્ચ 2019માં ભાજપમાં જોડાયા હતા. નવેમ્બર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ તેમણે આ પગલું ભર્યું હતું.
રવીન્દ્ર જાડેજા મૂળ ગુજરાતના જામનગરના વતની છે અને તેઓ પોતાના શહેરમાં ઘણો સમય વિતાવે છે. તેઓ 100 કિમી દૂર રાજકોટમાં રહે છે, જ્યાં તેઓ રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. ભાજપમાં જોડાયા ત્યારથી રીવાબા જામનગરમાં સક્રિય થઇ ગયા છે. તેઓ શહેરની આસપાસના ગામડાઓની મુલાકાત લે છે અને ત્યાંની મહિલાઓ સાથે ખાસ વાતચીત કરે છે. રીવાબા વિવિધ સરકારી કલ્યાણ યોજનાઓ વિશે જણાવે છે, સેનિટરી નેપકીનનું વિતરણ કરે છે અને પોસ્ટ ઓફિસમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવામાં મદદ કરે છે.
શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જે એક NGO છે તેને રીવાબા તેમના પતિ સાથે મળીને ચલાવે છે. આ વર્ષે ઓગસ્ટમાં ટ્રસ્ટ દ્વારા 101 સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ખોલવામાં મદદ કર્યા બાદ પીએમ મોદીએ રીવાબાની પ્રશંસા કરી હતી. યોગાનુયોગ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર પરિમલ નથવાણીની અપીલના એક અઠવાડિયા બાદ ભાજપે રિવાબાને ટિકિટ આપી. હકીકતમાં, પરિમલ નથવાણીએ તમામ પક્ષોને અપીલ કરી હતી કે તેઓ એવા ઉમેદવારોને ટિકિટ ન આપો જેઓ જામનગરમાં ગુનાખોરીને પ્રોત્સાહન આપે છે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે ધર્મેન્દ્રસિંહ જાડેજા ખૂબ જ મજબૂત થઇ રહ્યા હતા. પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું કે તેમનું નામ કેટલાક હિસ્ટ્રીશીટર સાથે સંકળાયેલું છે અને તે ઘણા મોટા લોકોને પરેશાન કરી રહ્યા હતા. જેથી ધર્મેન્દ્ર સિંહને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તે સ્પષ્ટ હતું.
જામનગર જિલ્લો ઉત્તર અને દક્ષિણ એ બે ભાગ વિભાજિત થયું તેની પહેલાં આ વિધાનસભા બેઠક જામનગર તરીકે જાણીતી હતી. આ મતવિસ્તાર 1985થી ભાજપનો ગઢ રહ્યો છે. ભાજપે 1985 થી 2007 વચ્ચે સતત પાંચ વખત જીત હાંસલ કરી હતી. ધર્મેન્દ્રસિંહ જાડેજા 2012માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. તેમણે પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર મુલુભાઈ બેરાને 9,448 મતોની સરસાઈથી હરાવ્યા હતા.
શું ભાજપને નારાજ હકુભાથી નુકસાન થઈ શકે છે?
જામનગરના એક ભાજપ નેતાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, “ઐતિહાસિક રીતે આ વિસ્તારના લોકોએ કોંગ્રેસની વિરુદ્ધમાં વોટ આપ્યો છે. 1985ની પહેલા પણ ભાજપ આ બેઠક પર 1962, 1967, 1972 અને 1975માં હારી ચૂક્યું હતું. અહીં ભાજપના પ્રતિબદ્ધ મતદારો છે અને રીવાબાનું વ્યક્તિત્વ નવા મતદારોને આકર્ષશે. જ્યાં સુધી હકુભા ગેમ નહીં બગાડે ત્યાં સુધી અમને બેઠક ટકાવી રાખવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તેઓ પક્ષના પાયા સાથે જોડાયેલ છે અને પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.