હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન થઇ રહ્યું છે. ભાજપના મોદી સહિતના નેશનલ કાર્ડ અને કોંગ્રેસના જુની પેન્શન લાગુ કરવા સહિતના લોકલ સ્થાનિક મુદ્દાઓ વચ્ચે ટક્કર થશે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. જેમાં સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 17.98 ટકા મતદાન નોંધાયું હતુ, જ્યારે બપોરે 1 વાગ્યા સુધીમાં 37 ટકા મતદાન નોંધાયું છે.. રાજ્યમાં ભાજપ કોંગ્રેસની સીધી ટક્કર વચ્ચે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે.
Himachal Pradesh Election 2022: હિમાચલ પ્રદેશની 68 સીટો પર શનિવારે (12 નવેમ્બર) મતદાન થશે. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર શાંત થઇ ગયો છે અને શનિવારના મતદાન પર બધાની નજર છે. ચૂંટણી દરમિયાન વધારેમાં વધારે મતદાનને લઇને લોકોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. મતદાન પહેલા ચૂંટણી પંત દ્વારા બધી તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ભાજપા અને કોંગ્રેસ બન્ને જીતના દાવા કરી રહ્યું છે.
આ ચૂંટણીમાં બન્ને દળોના બળવાખોર ઉમેદવારોએ બન્ને પાર્ટીનું ટેન્શન વધાર્યું છે. જેના કારણે કેટલીક સીટો પર ઘણી કાંટાની ટક્કર જોવા મળશે. ભાજપાએ 11 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જેના કારણે પાર્ટીએ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
બળવાખોરની નારાજગી વચ્ચે સત્તાધારી ભાજપા હિમાચલમાં સતત બીજી વખત સરકાર નહીં બનાવવાની પરંપરાને તોડવાના પ્રયત્નમાં લાગી છે. કોંગ્રેસ તરફથી બીજેપીને જોરદાર ટક્કર મળી રહી છે. ભાજપા સ્ટાર પ્રચારક પીએમ મોદી અને સીએમ જયરામ ઠાકુરના નેતૃત્વમાં પુરી તાકાત સાથે ચૂંટણી લડી રહી છે.
આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં
ભાજપા અને કોંગ્રેસ સિવાય રાજ્યમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવી રહી છે. પંજાબમાં જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટી હવે પહાડી રાજ્યમાં પણ સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. જોકે ઘણા નેતાઓએ પાર્ટી બદલતા ઘણા મોરચા પર પડકારોનો સામનો કરવો પડ્યો છે.
8 ડિસેમ્બરે પરિણામ
હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બરે મત ગણતરી થશે. આ જ દિવસે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ આવશે. ગત વખતે હિમાચલની 68 સીટોમાંથી 44 સીટો પર બીજેપીએ જીત મેળવી હતી. કોંગ્રેસના ખાતામાં 21 સીટો આવી હતી.





