હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે હાલ પ્રચાર ચાલી રહ્યો છે અને તે 10 નવેમ્બરે થંભી જશે. રાજ્યમાં 12 નવેમ્બરે મતદાન થશે અને તેના પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. ગત વખતની જેમ આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે. જ્યારે, આમ આદમી પાર્ટી આ ચૂંટણીને ત્રીપક્ષી બનાવવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે.
આવી સ્થિતિમાં હિમાચલના લોકોનો મૂડ જાણવા માટે સી વોટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પોલ કરાવ્યો છે. આ ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે હિમાચલ વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના પ્રચારમાં ભાજપ આગળ છે કે કોંગ્રેસ? આ સવાલના આશ્ચર્યજનક જવાબો મળ્યા છે.
આ સર્વેમાં સામેલ 47 ટકા લોકોએ કહ્યું કે હિમાચલ પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીની આગેકૂચ છે. 31 ટકા લોકોનું કહેવું છે કે હિમાચલમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પાર્ટી આગળ છે. તો, 22 ટકા લોકોએ કહ્યું કે તેઓને આ વિશે જાણતા નથી.
નોંધનીય છે કે, શનિવારે વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આંકરા પ્રહાર કર્યા હતા. મોદીએ આરોપ લગાવ્યો કે સંરક્ષણ ક્ષેત્રમાં દેશનું પહેલું કૌભાંડ કોંગ્રેસે કર્યું છે. ડિફેન્સ ડીલમાં કોંગ્રેસે મોટી દલાલી કરીને કમાણી કરી, હજારો કરોડનું કૌભાંડ આચર્યુ છે..
મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ક્યારેય નથી ઈચ્છતી કે, દેશ સંરક્ષણ સાધનોના મામલે આત્મનિર્ભર બને. તે સેના માટે દરેક ખરીદીમાં કમિશન રૂપી કમાણી કરવાની ઇચ્છા રાખતી હતી. તે પોતાના નેતાઓની તિજોરી ભરવા માંગતી હતી. કોંગ્રેસે હંમેશા હથિયારોની ખરીદી કરવામાં વિલંબ કર્યો છે. આનું સૌથી મોટું નુકસાન આપણા હિમાચલની બહાદુર માતાઓને થયું.
તો શુક્રવારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશમાં જનસભાને સંબોધિત કરતા કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે જો તેમની પાર્ટીની કેન્દ્રમાં સરકાર બનશે તો અગ્નિપથ યોજના રદ કરવામાં આવશે.
ગાંધીએ કહ્યું કે, અમે જે વચન આપીએ છીએ તે કરીએ છીએ. તેમણે કહ્યું કે છત્તીસગઢમાં અમે ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું હતું અને તે પૂરું કર્યું. તેમણે પૂછ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં કેટલા યુવાનોને રોજગારી મળી? છત્તીસગઢમાં ત્રણ વર્ષમાં પાંચ લાખ નોકરીઓ આપવામાં આવી, રાજસ્થાન સરકારે 1 લાખ 30 હજાર નોકરીઓ આપી છે. હિમાચલમાં 63 હજાર સરકારી જગ્યાઓ ખાલી છે.