scorecardresearch

Karnataka Election Results : કર્ણાટક ચૂંટણી પરિણામે કોંગ્રેસને આપ્યા બજરંગ બલી! દેશની રાજનીતિ માટે મોટો ઇશારો

Karnataka Election Results : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થતાં કોંગ્રેસ ગેલમાં આવી છે. 136 બેઠકો સાથે કોંગ્રેસને મોટી જીત મળી છે જ્યારે ભાજપની હાર થઇ છે. જેડીએસનું પણ સપનું ચકનાચૂર થયું છે.

Karnataka Assembly Election Results 2023 | કર્ણાટક ચૂંટણી પરિણામ 2023
કર્ણાટક ચૂંટણી પરિણામ 2023 કોંગ્રેસને મળી મોટી જીત

Karnataka Election Results : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામને લઇને મોટો શોરબકોર થઇ રહ્યો છે. પરંતુ કર્ણાટક રાજ્યના રાજકારણની ત્રણ દાયકાની પરંપરા જોઇએ તો આ પરિણામ સામાન્ય છે. અહીં પણ રાજસ્થાન જેવી જ એકંદરે સ્થિતિ છે. કર્ણાટકની જનતા કોઇ એક પક્ષને ફરીથી સત્તા આપતી નથી. એજ રીતે આ વખતે પણ એવું જ થયું છે. ભાજપની બસવરાજ બોમાઇ સરકાર લોકોને પસંદ ન આવી. જનતાના પ્રશ્નોનું યોગ્ય સમાધાન ન કરી શકી અને જનતાએ કોંગ્રેસ પર કળશ ઢોળ્યો. કોંગ્રેસને પૂર્ણ બહુમત સાથે 136 બેઠકો મળી છે. અહીં કોંગ્રેસને જીત મળી એ જગજાહેર છે. પરંતુ કોંગ્રેસ માટે કોઇ મોટી વાત હોય તો એ છે કે આ જીત સાથે કોંગ્રેસને બજરંગ બલી મળ્યા છે. જે કર્ણાટકની સરકાર કરતાં ઘણી મોટી બાબત છે. કોંગ્રેસને બજરંગ બલી મળતાં દેશની રાજનીતિ માટે મોટો ઇશારો છે.

જય બજરંગ બલી તોડ દો ભ્રષ્ટાચાર કી નલી..

કર્ણાટક ચૂંટણીમાં ભારે જીત સાથે કોંગ્રેસ છાવણીમાં ઉજવણીનો માહોલ છે. આ ઉજવણીમાં જય બજરંગ બલી સૂર ગૂંજી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓએ એવો સૂર વ્યક્ત કર્યો કે, બજરંગ બલી સત્યની સાથે રહે છે. બજરંગ બલીએ ભ્રષ્ટાચારીઓના માથે ગદા ફટકારી છે અને કોંગ્રેસને બહુમતથી જીત અપાવી છે.

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસને નવજીવન

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને મોટી જીત મળી છે. 224 બેઠકની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 136 બેઠક મળી છે. જ્યારે બસવરાજ બોમાઇની ગત ભાજપ સરકારને જનતાએ જોરદાર ઝટકો આપ્યો છે. ભાજપ માત્ર 65 બેઠકો પર સમેટાઇ ગઇ છે. ભાજપને કોંગ્રેસ કરતાં અડધી બેઠકો પણ નથી મળી. આ જીત સાથે કોંગ્રેસને લોકસભા ચૂંટણી 2024 માટે જાણે બૂસ્ટર ડોઝ મળ્યો છે.

ભાજપ અને જયશ્રી રામ સિક્કાની બે બાજુ

ચૂંટણી ગમે ત્યાં હોય અને ગમે તેવી હોય, જો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હોય તો ત્યાં જયશ્રી રામ નારા લાગવા સામાન્ય છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન કે પછી કોઇ પણ રાજ્ય હોય, ચૂંટણી પ્રચારનો પ્રારંભ વિકાસ કે અન્ય કોઇ મુદ્દાથી થાય પરંતુ અંતમાં તો જયશ્રી રામના નારા લાગ્યા વગર રહે નહીં. આ સ્થિતિ જોતાં જયશ્રી રામ અને ભાજપ જાણે સિક્કાની બે બાજુ જેવી સ્થિતિ જોવા મળે છે.

કર્ણાટક ચૂંટણીએ કોંગ્રેસને આપ્યા બજરંગ બલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની આગેવાનીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પરંતુ કર્ણાટક ચૂંટણીમાં પહેલી વાર એવું જોવા મળ્યું કે ભાજપ ખુદ જાળમાં ફસાયું હોય. કોંગ્રેસેના દાવમાં ભાજપ ગૂંચવાઇ ગયું. કોંગ્રેસે બજરંગ દળ પર રોક લગાવવાની વાત કરી તો ભાજપે એ મુદ્દે વળતો પ્રહાર કરવા બજરંગ બલી ને મુદ્દો બનાવી ઠેર ઠેર હનુમાન ચાલીસા સહિત આયોજન થયા.

પરંતુ જનતાએ કોંગ્રેસ પર કળશ ઢોળતાં બજરંગ બલી કોંગ્રેસની જોળીમાં આવી ગયા. કોંગ્રેસે પણ બજરંગ બલીને સહર્ષ સ્વીકારી જીતના જશ્નમાં બજરંગ બલીના સાક્ષી બનાવ્યા. જીતની ઉજવણીમાં ઠેર ઠેર બજરંગ બલી દેખાયા. કોંગ્રેસના નેતાઓએ પણ એવો સૂર વ્યક્ત કર્યો કે, બજરંગ બલી સત્યની પડખે રહે છે અને બજરંગ બલીએ ભ્રષ્ટાચારીઓને ગદાનો પ્રહાર કર્યો છે અને ભાજપની હાર થઇ છે.

કોંગ્રેસના બજરંગ બલી રાજનીતિ બદલશે?

પરંતુ કર્ણાટકની ચૂંટણીએ કોંગ્રેસને બજરંગ બલી જીત સાથે જાણે ભેટ મળ્યા છે. હવે કોંગ્રેસ પાસે બજરંગ બલી આવવાથી મુસ્લિમ તૃષ્ટિકરણનું ચિત્ર ઘણે અંશે ભૂંસાતું જોઇ શકાય છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે પરંતુ હિન્દુઓનું વર્ચસ્વ છે. આ સ્થિતિમાં હિન્દુ હોવાનું ગર્વ અને ફાયદો ભાજપ લેતું હતું પરંતુ કોંગ્રેસ પાસે બજરંગ બલી આવવાથી દેશની રાજનીતિ માટે મોટો ઇશારો જોઇ શકાય છે. ભાજપના રામ અને કોંગ્રેસના બજરંગ બલી વચ્ચે ટકરાવ જોઇ શકાય એમ છે. જે દેશની રાજનીતિ માટે નવો વળાંક સાબિત થઇ શકે એમ છે. કર્ણાટકની હાર બાદ ભાજપનું દક્ષિણમાં વર્ચસ્વ વધારવાનું સપનું હાલ પુરતું તૂટતુ દેખાઇ રહ્યું છે.

Web Title: Karnataka assembly election results congress victory with bajarang bali

Best of Express