ચૂંટણી રણનીતિ | પીએમ મોદી, અમિત શાહ સહિત BJP નેતાઓનું અડધી રાત સુધી મંથન, પાર્ટી સંગઠનમાં મોટા પાયે ફેરફારના સંકેત

Loksabha Election 2024: વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે ભાજપ મોવડી મંડળ હરકતમાં આવ્યું છે. મોડી રાત સુધીની આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા

Written by Kiran Mehta
June 29, 2023 16:17 IST
ચૂંટણી રણનીતિ | પીએમ મોદી, અમિત શાહ સહિત BJP નેતાઓનું અડધી રાત સુધી મંથન, પાર્ટી સંગઠનમાં મોટા પાયે ફેરફારના સંકેત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા તસ્વીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે બુધવારે રાતે દિલ્હી સ્થિત નિવાસ ખાતે બેઠક બોલાવી હતી. સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારની અટકળો વચ્ચે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને ભાજપના સંગઠન મંત્રી સંતોષ હાજર રહ્યા હતા. ચાલુ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી 2024 માટે મંથન કરવામાં આવ્યું હતું.

ચૂંટણી તૈયારી માટે ભાજપનું મંથન

ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા અને ભાજપા મહાસચિવ બી એલ સંતોષ વિવિધ સ્તરે સંગઠન અને રાજકીય મુદ્દાઓ પર બેઠકો કરી રહ્યા છે એવા સમયે યોજાયેલી આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. જોકે આ બેઠક અંગે પાર્ટી દ્વારા કોઇ સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું પરંતુ આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી અંગે મહત્વની ચર્ચાઓ કરાયાનું માની શકાય છે. ભાજપની આ મંથન બેઠક જોતાં એવી અટકળો તેજ બની છે કે, ટૂંક સમયમાં પાર્ટી સંગઠન અને મોદી સરકારમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

લોકસભા ચૂંટણી 2024 માટે રણનીતિ

લોકસભા ચૂંટણી 2024 અને રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અસરકારણ રણનીતિ બનાવી રહ્યું છે. સુત્રોનું માનીએ તો આ ચૂંટણી માટે ભાજપ પાર્ટીનું કામકાજ સરળ બનાવવા માટે દેશને ઉત્તર, દક્ષિણ અને પૂર્વ એમ વિવિધ ત્રણ પ્રદેશમાં વિભાજીત કરી રહ્યું છે. જે માટે આગામી 6,7 અને 8 જુલાઇના રોજ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા આ પ્રદેશોના પ્રમુખ નેતાઓ સાથે ખાસ બેઠક કરવાના છે. 6 જુલાઇએ પૂર્વ, 7 મીએ ઉત્તર અને 8 મી જુલાઇએ દક્ષિણ પ્રદેશની બેઠક યોજાશે.

જુલાઇ માસમાં વિવિધ પ્રદેશની બેઠક

ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી 2024 રણનીતિ માટે જુલાઇ માસમાં વિવિધ પ્રદેશ માટે ખાસ બેઠક કરવાના છે. 6 જુલાઇએ પૂર્વ વિસ્તારની બેઠક ગુવાહાટીમાં યોજાશે. જેમાં બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ, અસમ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરાના ભાજપ નેતાઓ જોડાશે. 7 જુલાઇના રોજ ઉત્તર ઝોનની બેઠક દિલ્હી ખાતે યોજાશે જેમાં જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ દીવ દાદરા નગર હવેલી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને હરિયાણાના ભાજપી નેતાઓ જોડાશે. 8 જુલાઇએ દક્ષિણ ઝોનની બેઠક હૈદરાબાદ ખાતે યોજાશે. જેમાં કેરળ, તમિલનાડુ, પાંડેચેરી, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઇ, ગોવા અને આંદોમાન નિકોબાર, લક્ષદીપના ભાજપ નેતાઓ હાજર રહેશે.

કોંગ્રેસ હાઇ કમાન્ડની પણ બેઠક

ભાજપની બેઠક પૂર્વે કોંગ્રેસ હાઇ કમાન્ડની પણ બેઠક યોજાઇ જેમાં ચૂંટણીને લઇને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં છત્તીસગઢમાં વર્ષના અંતે યોજાનાર વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી ટી એસ સિંહ દેવને ડેપ્યૂટી મુખ્યમંત્રી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી. ઉપરાંત કોંગ્રેસના હાઇ કમાન્ડે છત્તીસગઢમાં યોજાનાર ચૂંટણીની રણનીતિ માટે ગહન ચર્ચાઓ કરી હોવાનું સામે આવી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ