બોલિવૂડના કેટલાક દિગ્ગજ કલાકારોમાં બિગ બી એટલે કે અમિતાભ બચ્ચનનું નામ ટોપ પર આવે છે. 28મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના ચમકતા સિતારાઓએ હાજરી આપી હતી. જેમાં શાહરૂખ ખાન , જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, રાની મુખર્જી અને શત્રુઘ્ન સિન્હા સહિત અનેક સેલિબ્રિટીઓએ ભાગ લીધો છે. આ સાથે આ ફિલ્મ ફેસ્ટિવલમાં પશ્વિમ બંગાળના રાજ્યપાલ ડો.સી.વી આનંદ બોસ, મુખ્યમંત્રી મમતા બેનેર્જી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે અમિતાબ બચ્ચન અને શાહરૂખ ખાને મોટું નિવેદન આપ્યું છે. બિગી બીએ પોતાની સ્પીચમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાણી સ્વાતંત્રય અને સેંસરશીપનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે શાહરૂખ ખાને કહ્યું હતું કે, નકારાત્મક ઉર્જાના કારણે સોશિયલ મીડિયાના વપરાશમાં વધારો થયો છે.
અમિતાભ બચ્ચને ભારતીય ફિલ્મ ઉઘોગમાં સેંસરશિપના ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મને વિશ્વાસ છે કે મંચ પર હાજર મારા સહયોગી મારી આ વાત સાથે સહમત હશે કે, નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલો કરવામાં આવે છે”.
કોલકાતા ખાતેની ઇવેન્ટમાં શાહરૂખ ખાને જણાવ્યું હતુ કે, નકારાત્મકતાએ સોશિયલ મીડિયાના વપરાશમાં વધારો કર્યો છે, પરતું મારા જેવા વ્યકિત તેનાથી પ્રભાવિત થશે નહિ અને સકારાત્મક રહેવાનું ચાલું રાખશે. વધુમાં શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, સામાજિક મીડિયા ઘણીવાર ચોક્કસ સંકુચિત દૃષ્ટિકોણથી પ્રેરિત હોય છે, જે માનવ સ્વભાવને તેના પાયાના સ્વભાવ સુધી મર્યાદિત કરે છે. તેમણે કહ્યું કે મેં ક્યાંક વાંચ્યું છે- નકારાત્મકતા સોશિયલ મીડિયાના વપરાશમાં વધારો કરે છે. શાહરૂખ ખાને કહ્યું કે દુનિયા ગમે તે કરે, પરતું અમારા જેવા વ્યક્તિ હમેશા સકારાત્મક રહેશે
મહત્વનુ છે કે, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘પઠાણ’ વિવાદોમાં સપડાઇ છે. ‘પઠાણ’ના એક ગીતમાં દીપિકા ભગવા રંગના આઉટફિટમાં નજર આવે છે. જેને લઇને લોકોએ હોબાળો મચાવ્યો છે. ત્યારે હવે આ ફિલ્મનો બહિષ્કાર કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. આવામાં શાહરૂખ ખાનનું આ નિવેદન ફિલ્મની ટીકા કરનારાઓ સંબંધિત છે.