છેલ્લા કેટલાક સમયથી અભિનયની દુનિયામાં સત્ય ઘટના પર આધારિત ફિલ્મો બનાવવાનું શરૂ થયું છે. જેને પગલે આ પ્રકારની ફિલ્મોને લઇને વિવાદ પણ સર્જાયો છે. જે પૈકી એક ધ કેરલા સ્ટોરી છે. ધ કેરલા સ્ટોરી પર સત્ય ઘટના પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મને લઇને પણ શરૂઆતમાં ઘણો વિવાદ થયો હતો. તાજેતરમાં હિંદુ મહાકાવ્ય પર આધારિત પ્રભાસની ‘આદિપુરૂષ’ને લઇને તો હજુ પણ વિવાદ યથાવત જોવા મળે છે. આદિપુરૂષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી છતાં હોબાળો ચાલુ જ છે. તેવામાં અન્ય એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મનુ નિર્માણ થયું છે. આ ફિલ્મનું નામ છે ’72 હુરે. જૂનની શરૂઆતમાં મેકર્સે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં ઓસામા બિન લાદેન, અજમલ કસાબ જેવા આતંકવાદીઓ દર્શાવવામાં આવ્યા હતા. જો કે સેન્સર બોર્ડે આ ફિલ્મનું ટ્રેલર મંજૂર કરવાની ના પાડી દીધી છે.
મહત્વનું છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન નક્કી કરે છે કે ફિલ્મ કે તેનું ટ્રેલર પ્રેક્ષકોના હિસાબે બનાવેલી માર્ગદર્શિકાને બંધ બેસે છે કે નહીં. ત્યારબાદ સીબીએફસી તે ફિલ્મ પાસ કરે છે. 72 હુરેને સેન્સર બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળી ચૂક્યું છે, પરંતુ હવે તેનુ ટ્રેલર પાસ થયું નથી. હવે નિર્માતાઓ 28 જૂને ડિજિટલી ટ્રેલર રિલીઝ કરશે.
આ ફિલ્મના નિર્દેશક સંજય પુરણ સિંહ છે, જેઓ બે વખત નેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે. તો કિરણ ડાગર, ગુલાબ સિંહ તંવર, અનિરુદ્ધ તંવર આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ઉપરાંત, અશોક પંડિત ફિલ્મના સહ-નિર્માતા છે.
સેન્સર બોર્ડના આ નિર્ણય પછી ફિલ્મ નિર્માતાઓનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં મેકર્સનું કહેવું છે કે, તેઓ આ મામલાને આગળ લઈ જશે. ટ્રેલરને મંજૂરી મળે તે માટે જરૂરી મદદ માટે તે આ બાબતને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મૂકશે. આ સાથે તે માહિતી મંત્રાલયને પણ આ મામલે CBFC અધિકારીઓ પાસેથી સ્પષ્ટતા માંગવા વિનંતી કરશે.
જો કે હવે જોવાનું એ છે કે, ટ્રેલર મામલે આગળ શું થાય છે. જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ટીઝર જોઈને ખબર પડી ગઈ હશે કે આ ફિલ્મ આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ વિરુદ્ધ હશે. ટીઝરમાં હાફિઝ સઈદ, બિલાલ અહેમદ જેવા આતંકવાદીઓની પણ ઝલક જોવા મળી હતી. આ ફિલ્મ 7 જુલાઈએ રિલીઝ થવાની જાહેરાત કરાઈ છે.