Aamir khan Girlfriend : બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા અભિનેતા આમિર ખાન પોતાના બર્થ ડે સેલિબ્રેશનને લઇને ચર્ચામાં છે. 14 માર્ચે તે 60 વર્ષના થઇ જશે. શુક્રવારે દેશભરમાં રંગોનો તહેવાર ઉજવાશે ત્યારે આમિર ખાન પોતાનો 60મો જન્મદિવસ ઉજવશે. આ ખાસ પ્રસંગે એક દિવસ અગાઉ પેપારાઝી અને મીડિયા સાથે મુલાકાત કરી હતી.
પ્રેસ મીટ દરમિયાન એક્ટરે પોતાની ગર્લફ્રેન્ડ વિશે ખુલાસો કરતા કહ્યું કે તે છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે, જેને તે 25 વર્ષ પહેલા મળ્યો હતો. જોકે આ દરમિયાન તેણે પોતાની ગર્લફ્રેન્ડનો ચહેરો જાહેર કરવાની ના પાડી દીધી હતી.
આમિર ખાનની ગર્લફ્રેન્ડનું નામ ગૌરી
આમિર ખાન છેલ્લા ઘણા મહિનાઓથી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી તેમની ડેટિંગને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. પોતાના જન્મદિવસના પ્રસંગે યોજાયેલી પ્રેસ મીટમાં આમિર ખાને ખુલાસો કર્યો હતો કે તેની ગર્લફ્રેન્ડ ગૌરી છે. અભિનેતાએ કહ્યું કે તે અને ગૌરી 25 વર્ષ પહેલાં મળ્યા હતા અને તે બંને એકબીજા પ્રત્યે ખૂબ ગંભીર છે.
મિસ્ટર પરફેક્શનિસ્ટે કહ્યું કે તેઓ છેલ્લાં દોઢ વર્ષથી સાથે છે. એણે પેપારાઝીને વિનંતી કરી હતી કે આ સમય દરમિયાન એને સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે. તેણે પોતાની ગર્લફ્રેન્ડનો ફોટો જાહેર કરવાની ના પાડી દીધી હતી. પેપ્સે પણ એવું જ કર્યું હતું.
એટલું જ નહીં આમિર ખાને પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી વિશે પણ પેપારાઝીને જણાવ્યું હતું કે તે બેંગ્લોરની છે અને તે કોઇ સેલિબ્રિટી નથી. ગૌરીને 6 વર્ષનું બાળક પણ છે. હવે ચાહકો આમિરની ગર્લફ્રેન્ડની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આમિરે કહ્યું કે તેણે ગઈકાલે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે તેના મુંબઇ નિવાસસ્થાને તેની ગર્લફ્રેન્ડનો પરિચય કરાવ્યો હતો. ગૌરીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરતાં મિસ્ટર પરફેક્શનિસ્ટે કહ્યું હતું કે તે એક પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે.
આમિર ખાને લગ્નને લઈને શું કહ્યું?
આ સાથે જ આમિરે પોતાના લગ્ન વિશે કહ્યું હતું કે 60 વર્ષની ઉંમરે લગ્ન યોગ્ય છે કે નહીં તે ખબર નથી. પણ તેમનાં બાળકો સુખી છે. તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. અંતમાં તેણે પૂર્વ પત્ની સાથેના સંબંધ અંગે કહ્યું હતું કે તેમની સાથે તેના સારા સંબંધ છે.
આમિર ખાને બે લગ્ન કર્યા છે
તમને જણાવી દઇએ કે આમિર ખાન હંમેશા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. અભિનેતાએ પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે. તેમને એક પુત્ર જુનૈદ ખાન અને એક પુત્રી ઇરા છે. ઈરાના લગ્ન થઈ ગયા છે. જુનૈદે એક્ટિંગમાં પણ ડેબ્યૂ કર્યું છે. આ સાથે જ આમિરે કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા છે, બન્નેને એક પુત્ર આઝાદ છે. અભિનેતાના બંને પત્નીઓ સાથે છૂટાછેડા થઈ ગયા છે.





