Aamir Khan : બોલિવૂડનો ચોકલેટી બોય આમિર ખાન લગભગ છેલ્લા 1 વર્ષથી ફિલ્મી દુનિયાથી દુર છે. આમિર ખાનની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા સિનેમાઘરોમાં ખરાબ રીતે ફ્લોપ થતાં તેણે બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. જ્યાં સુધી તેને કોઇ સારી સ્ક્રીપ્ટ નહીં મળે ત્યાં સુધી તે કોઇ ફિલ્મ નહીં કરે તેવું નક્કી કર્યું હતું. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમિર ખાને હવે અપકમિંગ ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. જો કે આ ફિલ્મનું નામ હજુ સામે આવ્યું નથી. પરંતુ એક અહેવાલ અનુસાર, આમિર ખાન પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિક બનાવવા જઈ રહ્યો છે.
પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવામાં ઉજ્જવલ નિકમ મહત્ત્વનો ફાળો હતો. હાલના સમયમાં દેશભક્તિનો વિષય ધરાવતી કે દેશની સલામતી-સમૃદ્ધિમાં મહત્ત્વનું યોગદાન આપનારી વ્યક્તિઓ આધારિત ફિલ્મો વધારે ચાલે છે. આમિરે પણ બદલાતા ટ્રેન્ડને પારખીને આતંકવાદ સામે લડનારા વકીલના જીવનને ફિલ્મમાં રજૂ કરવાનું વિચાર્યું છે. યશરાજ ફિલ્મ્સ સાથે આમિર ખાને એક એક્શન ફિલ્મ પણ પ્લાન કરી હોવાનું કહેવાય છે. આમિરના આ પ્રોજેક્ટ અંગે હજુ ખાસ વિગતો બહાર આવી નથી.
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના એક ટ્વીટમાં દાવો કર્યો છે કે આમિરની અપકમિંગ ફિલ્મ તેના જ પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવશે. આ તેમના પ્રોડક્શનની 16મી ફિલ્મ હશે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર, 20 જાન્યુઆરીથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.
અહેવાલમાં એવો પણ દાવો છે કે, આમિર ખાનની આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર મોટા પડદા પર આવી શકે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે આવતા વર્ષે મોટા પડદા પર અક્ષય કુમાર અને આમિર વચ્ચે ક્લેશ જોવા મળશે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ 2024ના ક્રિસમસ પર રિલીઝ થવાની છે. વેલકમ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. ફિરોઝ નડિયાદવાલ તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે.





