Goverdhan Asrani passes away News: બોલિવૂડ અભિનેતા અને કોમેડિયન અસરાનીનું દિવાળીના દિવસે નિધન થયું છે. તેમણે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા, જેના કારણે તેમને 5 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોમેડિયન ગોવર્ધન અસરાનીના નિધનને લઇને તેમના મેનેજરે જણાવ્યું કે તે ફેફસાની સમસ્યાથી પીડિત હતા. આ કારણે તેમને લગભગ 5 દિવસ સુધી આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેનેજર બાબુભાઈએ નિધનની પુષ્ટિ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમના ફેફસામાં પાણી ભરાઇ ગયું હતું.
સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
અસરરાણીના નિધન બાદ આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, દિવાળીની સાંજે અસરાનીના અંતિમ સંસ્કાર સાંતાક્રુઝના શાંતિનગરના સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા અને તેઓ પંચતત્વમાં વિલિન થઇ ગયા હતા.
350 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો
એક સમય હતો જ્યારે તેઓ કોમેડી ભૂમિકાઓનો પર્યાય બની ગયા હતા. અસરાનીએ કોમેડીમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેઓ મૂળ જયપુરના હતા અને જયપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શોલેમાં જેલરનો યાદગાર રોલ હજુ પણ લોકોને યાદ છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં ગોવર્ધન અસરાનીએ હિન્દી સિનેમાને ઘણા યાદગાર પાત્રો આપ્યા છે અને દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમની કારકિર્દી 50 વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી અને તેમણે 350 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
આ પણ વાંચો – કપૂર પરિવારની દિવાળી પાર્ટીમાં આલિયા ભટ્ટ અને કરીના કપૂરે સાથે પોઝ આપ્યો
1970 ના દશકમાં તે ટોચ પર હતા
1970 ના દશકમાં તે ટોચ પર હતા, જ્યારે તેઓ સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય પાત્રવાળા અભિનેના રુપમાં જાણીતા હતા. તેમણે મેરે અપને, કોશિશ, બાવર્ચી, પરિચય, અભિમાન, ચુપકે ચુપકે, છોટી સી બાત અને રફૂ ચક્કર જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.
દર્શકો તેમના કોમિક ટાઇમિંગ અને સંવાદ ડિલિવરીને હંમેશા યાદ રાખશે. અભિનય ઉપરાંત, અસરાનીએ ઘણી ફિલ્મોનું દિગ્દર્શન અને વાર્તાઓ પણ લખી હતી. તેમણે “ચલ મુરારી હીરો બને” અને “સલામ મેમસાબ” જેવી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમણે ગુજરાતી સિનેમામાં પણ પોતાની પ્રતિભા દર્શાવી હતી. હિન્દી સિનેમામાં તેમના યોગદાનને લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, સાથીદારો અને ચાહકો આ સમાચારથી ખૂબ જ દુઃખી છે.