Adipurush Controversy : પૌરાણિક હિંદુ મહાકાવ્ય પર આધારિત ફિલ્મ આદિપુરૂષના સંવાદને લઇને દેશભરમાં ઉગ્ર વિવાદ છેડાયો છે. ત્યારે હાલમાં જ એડવોકેટ કુલદીપ તિવારીએ લખનૌ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે ગઇકાલે 26મી જૂને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હવે આ મુદ્દે હાઇકોર્ટે સેન્સર બોર્ડ અને નિર્માતાઓને જોરદાર ઠપકો આપ્યો છે.
લખનૌ હાઈકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહની ડિવિઝન બેંચમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ રંજના અગ્નિહોત્રીએ કોર્ટને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા વાંધાજનક તથ્યો અને સંવાદો વિશે માહિતી આપી હતી. ત્યારબાદ સેન્સર બોર્ડ તરફથી હાજર રહેલા એડવોકેટ અશ્વિની સિંહને પૂછવામાં આવ્યું કે સેન્સર બોર્ડ શું કરે છે? કોર્ટે કહ્યું કે સિનેમા સમાજનો દર્પણ છે, તમે આવનારી પેઢીઓને શું શીખવવા માંગો છો?
શું સેન્સર બોર્ડ પોતાની જવાબદારી નથી સમજતું? કોર્ટે એમ પણ કહ્યું કે, માત્ર રામાયણ જ નહીં પરંતુ પવિત્ર કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતાજી જેવા ધાર્મિક ગ્રંથો સિવાય બાકીના લોકો જે કરે છે તે તો કરી જ રહ્યા છે.
કોર્ટે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકની ગેરહાજરી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. વરિષ્ઠ વકીલ રંજના અગ્નિહોત્રીએ પણ સેન્સર બોર્ડે હજુ સુધી પોતાનો જવાબ દાખલ ન કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ફિલ્મના વાંધાજનક તથ્યો વિશે પણ કોર્ટને જાણ કરી હતી.
રાવણને ચામાચીડિયાને માંસ ખવડાવવું, સીતાજીને બ્લાઉઝ વગર બતાવવી, કાળા રંગની લંકા, ચામાચીડિયાને રાવણનું વાહન કહેવું, વિભીષણની પત્નીને સુશેન વૈદ્યને બદલે લક્ષ્મણજીને સંજીવની આપવી, વાંધાજનક સંવાદો અને અન્ય તમામ હકીકતો આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે સંમતિ આપી હતી. આ કેસની આગામી સુનાવણી આજે એટલે કે 27 જૂને થશે.
મહત્વનું છે કે, આદિપુરૂષને લઇને પ્રચંડ વિરોધને પગલે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પણ પાર કરી શકવામાં પણ નિષ્ફળ રહી છે. ત્યારે આ ફિલ્મ એક મેગા બજેટ ફિલ્મ છે. આદિપુરૂષના નિર્માણ પાછળ આશરે 500 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવામાં આ ફિલ્મ ખરાબ રીતે નીચે પટકાઇ જતાં અને દર્શકો ના મળવાથી નિર્માતાઓને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.





