હિંદુ મકાકાવ્ય પર આધારિત ‘આદિપુરૂષ’ ગઇકાલે 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ત્યારે આ પહેલા પણ રામાયણ પર ઘણી ફિલ્મો કે સીરિયલ આવી ચૂકી છે. તેમાંથી એક રામાનંદ સાગરની રામાયણ સૌકોઇએ જોઇ હશે. હવે રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે આદિપુરૂષને લઇને નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું કે, ઓમ રાઉતે ફિલ્મને માર્વેલ બનાવાનો પ્રયાસ કર્યો છે.
રામાનંદ સાગરના દીકરા પ્રેમ સાગરે ડાયરેક્ટર ઓમ રાઉતની ‘આદિપુરુષ’ (Adipurush)માં પ્રાચીન ભારતીય મહાકાવ્યા રામાયણની ગલત વ્યાખ્યા દર્શાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રેમ સાગરે જણાવ્યું કે, તેમણે આ ફિલ્મ જોઈ નથી પરંતુ તેનું ટીઝર અને ટ્રેલર જોયું છે. ફિલ્મમાં હનુમાનજી દ્વારા ડાયલોગ બોલવામાં આવે છે કે, ‘તેલ તેરે બાપ કા, જલેગી ભી તેરે બાપ કી’. આ વિશે પ્રેમ સાગરને પૂછવામાં આવ્યું તો તેમણે હસી કાઢતાં તેને ટપોરી સ્ટાઈલ ગણાવ્યો હતો.
આ સાથે પ્રેમ સાગરે કહ્યું કે, તેમના પિતા રામાનંદ સાગરે પણ ‘રામાયણ’ બનાવતી વખતે ક્રિએટિવ ફ્રીડમ લીધી હતી, પરંતુ તેમણે ભગવાન રામને જાણ્યા અને સમજ્યા હતા. કેટલાય ગ્રંથો વાંચ્યા પછી તેમણે તેમાં નાના-મોટા ફેરફાર કર્યા હતા, પણ ક્યારેય તથ્યો સાથે છેડછાડ નહતી કરી. રાવણના રોલમાં એક્ટર સૈફ અલી ખાન જોવા મળી રહ્યો છે ત્યારે તેના ડાર્ક લૂક પર પણ તેમણે ટિપ્પણી કરી છે. પ્રેમ સાગરે કહ્યું કે, રાવણ ખૂબ વિદ્ધાન અને જ્ઞાની વ્યક્તિ હતો તેને ખલનાયક તરીકે રજૂ ના કરી શકાય. ગ્રંથો અનુસાર, રાવણે આટલી તબાહી એટલા માટે મચાવી કારણકે તે જાણતો હતો કે, ભગવાન રામના હસ્તે જ તેને મોક્ષ મળી શકે તેમ છે.
આ પણ વાંચો: વિવાદો વચ્ચે પ્રભાષની ફિલ્મ આદિપુરુષે રેકોર્ડ તોડ કરી કમાણી
આ ઉપરાંત પ્રેમ સાગરે કહ્યું કે, કૃત્તિવાસી અને એકનાથ સહિત કેટલાય લોકોએ રામાયણ લખી, પરંતુ તેના કન્ટેન્ટને ચેન્જ નહોતું કર્યું. માત્ર ભાષા અને રંગમાં પરિવર્તન આવ્યું હતું. જો કે ‘આદિપુરુષ’માં તો બધા જ તથ્ય બદલી નાખવામાં આવ્યા છે. તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રામાયણ પર ફિલ્મ કે સીરીઝ બનાવવાનું વિચારી રહ્યા છે? જવાબ આપતાં તેમણે કહ્યું, “પાપાજીએ કહ્યું હતું કે, 85 વર્ષ સુધી આવી રામાયણ કોઈ નહીં બતાવી શકે. તેમણે લોકોને મર્યાદા પુરુષોત્તમની કહાણી સંભળાવી અને જતા રહ્યા.”





