પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરૂષ’ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ત્યાર આદિપુરૂષનું પ્રી-બુકિંગ રવિવારથી શરૂ થઇ ગયું છે. જેમાં દર્શકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આદિપુરૂષે પ્રી-બુકિંગમાં બંપર કમાણી કરી છે. આ સિવાય ફિલ્મના રાઇટ્સ વેચીને પણ ફિન્લમના નિર્માતાઓએ સારી એવી આવક મેળવી છે. 500 કરોડના બજેટમાં નિર્માણ પામેલી આદિપુરૂષને લઇને હવે એવા સમાચાર સામે આવ્યાં છે કે, ફિલ્મના વિતરણ અધિકાર પીપુલ મીડિયાને લગભગ 150 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવ્યાં છે.
ફિલ્મ ટ્રેકર રમેશ બાલાના જણાવ્યા અનુસાર, હિન્દી બેલ્ટ અને બાકીના દક્ષિણ ભારતમાં આદિપુરુષના વિતરણ અધિકારો રૂ. 120 કરોડમાં વેચાયા હતા. આ સાથે કુલ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સે 270 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ફિલ્મ માટે આ રેકોર્ડ સંખ્યા હોવા છતાં, ઓમ રાઉત દિગ્દર્શિત આ ફિલ્મ હજુ તોડી શકી નથી કારણ કે તેનું બજેટ વિશાળ છે.
જો કે, રિપોર્ટ્સનું માનીએ તો, ફિલ્મના OTT અને સેટેલાઇટ રાઇટ્સ 210 કરોડ રૂપિયામાં વેચાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેટેલાઇટ અને ઓટીટી રાઇટ્સનું ફેક્ટરિંગ કર્યા પછી પણ ફિલ્મને બ્રેક ઇવન કરવા માટે 30 થી 50 કરોડ રૂપિયા ઓછા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ‘આદિપુરૂષ’એડવાન્સ બુકિંગના 1 દિવસની અંદર 1થી 2 કરોડનો વેપાર કરી લીધો છે. પિંકવિલાના અહેવાલ પ્રમાણે, નેશનલ સિનેમા ચેઇન્સ, PVR, Cinepolis અને INOX એ રવિવારે સાંજે 6 વાગ્યા સુધી લગભગ 18,000 જેટલી ટિકિટો વેચી હતી. સપ્તાહના અંત સુધીમાં લગભગ 35,000 ટિકિટો વેચાઇ ગઇ છે.
આદિપુરૂષના સ્ટાર કાસ્ટની ફી અંગે વાત કરીએ તો ‘બાહુબલી’ની ધમાકેદાર સફળતા બાદ દેશના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક અભિનેતા પ્રભાસ છે. પ્રભાસે પોતાની ફી વધારીને 100 કરોડ રૂપિયાથી વધુ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવવા માટે પ્રભાસને લગભગ 150 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
લક્ષ્મણના પાત્રમાં જોવા મળશે તેવા સની સિંહને લગભગ 1.5 કરોડ રૂપિયા અને સોનલ ચૌહાણ જે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે તેને લગભગ 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અગાઉ નબળાં વીએફએક્સ તથા રાવણના લૂક મુદ્દે નેગેટિવ પબ્લિસિટીનો શિકાર બની હતી. હવે એ બધી અસર ભૂંસવા માટે આ ધામધૂમ થઈ રહી છે.





