સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદો પછી પણ ફિલ્મના ટ્રેલર અને હવે પહેલા ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. લોકો ફિલ્મના પહેલા ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આજે આ ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીત રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ગીતના લિરિક્સ અને મ્યુઝિક એટલું અદભૂત છે કે શ્રોતાઓ ભરપૂર વખાણ કરી રહ્યા છે.
‘આદિપુરુષ ગીત રામ સિયા રામના લિરિક્સે કમાલ કરી દીધી છે. સંગીતના દરેક શબ્દે આ ભક્તિ ગીતને વધુ મધુર બનાવ્યું છે. ‘રામ સિયા રામ’ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ફિલ્મ ‘આદિપુરુષ’નું આ ગીત પ્રખ્યાત ગીતકાર મનોજ મુન્તાસીર શુક્લા દ્વારા લખવામાં આવ્યું છે અને સચેત પરંપરાએ ગાયું છે. ઉલ્લેખનીય છે કે, પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસે પોતે ગઈ કાલે ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ફિલ્મ ‘આદિપુરુષ’ના નવા ગીત વિશે ચાહકોને માહિતી આપી હતી અને ત્યારથી ચાહકો આ ગીતના રિલીઝની રાહ જોઈ રહ્યા હતા.
ફિલ્મ ‘આદિપુરુષ’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ગીત રિલીઝ થયા બાદથી લોકોનો ઉત્સાહ ચાર ગણો વધી ગયો છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સહિત ઘણા કલાકારો જોવા મળવાના છે. સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ આદિપુરુષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. રામાયણની વાર્તા પર આધારિત પ્રભાસની આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.





