બોલિવૂડનો ખેલાડી અક્ષય કુમાર સામે ફરિયાદ દાખલ થઇ હોવાના મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અક્ષય કુમાર હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘સેલ્ફી’ના કારણે ખુબ ચર્ચામાં છે. એક્ટર સતત આ ફિલ્મનો પ્રચાર કરી રહ્યો છે. આ વચ્ચે તેણે એક એવી ભૂલ કરી નાંખી છે જેને પગલે તેને મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક ઈન્ટરનેશનલ એરલાઈન્સની જાહેરાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના પગ ભારતના નકશા પર પડતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. સમગ્ર મામલે ચાહકો અક્ષય કુમારથી નારાજ છે. સાથે જ અભિનેતા પર ભારતના નકશાનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે સમગ્ર મામલે અભિનેતા સામે લોકોએ કડક પગલું ભર્યું છે. અક્ષય કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોતાનો રોષ ઠાલવ્યો છે.
એડવોકેટ વીરેન્દ્ર પંજાબીએ સમગ્ર મામલે જિલ્લાના SP સાથે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં અભિનેતાની મુશ્કેલીઓ ટૂંક સમયમાં વધે તેવી સંભાવના છે.
સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ વીડિયોની વાત કરીએ તો અક્ષય કુમારે ખુદ સોશિયલ મીડિયા પર એ શેર કર્યો છે. વીડિયો શેર કરતાં અભિનેતાએ કેપ્શનમાં લખ્યું હતું કે, એન્ટરટેઈનર્સ ઉત્તર અમેરિકામાં 100 ટકા શુદ્ધ સ્વદેશી મનોરંજન લાવવા માટે તૈયાર છે. તમારા સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવી રહ્યા છીએ!
આ વીડિયોમાં અક્ષય કુમાર ઉપરાંત દિશા પટણી, નોરા ફતેહી, મૌની રોય અને સોનમ બાજવા પણ જોવા મળી હતી. આ વીડિયોને કારણે માત્ર અક્ષય કુમાર જ ખરાબ રીતે ટ્રોલ થયો હતો.
મહત્વનું છે કે, અક્ષય કુમારે ફિલ્મ સેલ્ફીમાં પ્રથમવાર ઇમરાન હાશમી સાથે સ્ક્રિન શેર કરી છે. તેમજ વર્ષ 2022માં તેમની કોઇ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી નથી. જેને પગલે આ ફિલ્મ હિટ પુરવાર થાય તે અત્યંત મહત્વનું બની જાય છે.