Akshay Kumar Canadian Citizenship: બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને કેનેડિયન સિટિઝનશિપને લઈને ઘણીવાર ટીકાઓનો સામનો કરવો પડે છે, હવે એક્ટરે કેનેડિયન નાગરિકતા છોડવાનો નિર્ણય લીધો છે. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનું કહેવું છે કે, તેના માટે ભારત જ બધું છે અને તેણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી દીધી છે.
આજતક પર સીધી બાતની નવી સીઝનના પ્રથમ એપિસોડમાં, અક્ષયે કહ્યું કે, જ્યારે લોકો તેની કેનેડિયન નાગરિકતાનું કારણ જાણ્યા વિના કંઈક કહે છે ત્યારે તેને ખરાબ લાગે છે. અક્ષયે કહ્યું, “ભારત મારા માટે સર્વસ્વ છે… મેં જે કંઈ કમાવ્યું છે, જે કંઈ મેળવ્યું છે, તે અહીંથી જ મેળવ્યું છે. અને હું ભાગ્યશાળી છું કે મને (ભારતને) પાછા આપવાની આ તક મળી છે. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વગર કંઈપણ કહે ત્યારે તમને ખરાબ લાગે છે….
શા માટે અક્ષય કુમારે કેનેડાની નાગરિકતા લીધી?
અક્ષય કુમારે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે તેણે 15 થી વધુ ફ્લોપ ફિલ્મો આપી હતી. આ વાત 1990 ના દાયકાની છે. તેણે જણાવ્યું કે તેની ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ પરફોર્મન્સે તેને કેનેડિયન નાગરિકતા માટે અરજી કરવા પ્રેર્યો હતો. અક્ષયે કહ્યું, “મેં વિચાર્યું કે ભાઈ, મારી ફિલ્મો નથી ચાલી રહી અને કામ કરવું પડશે. હું કામ માટે ત્યાં ગયો હતો. મારો મિત્ર કેનેડામાં હતો અને તેણે કહ્યું, ‘અહીં આવી જા’, મેં અરજી કરી અને કેનેડાની નાગરિકતા મેળવી.”
અક્ષયે પાસપોર્ટ બદલવા માટે અરજી કરી છે
અક્ષય કુમારે વધુમાં ઉમેર્યું હતું કે, “મારી પાસે માત્ર બે જ ફિલ્મો રિલીઝ થવાની બાકી હતી અને સદનસીબે તે બંને સુપરહિટ બની હતી. મારા મિત્રે કહ્યું, ‘પાછા જાઓ, ફરીથી કામ શરૂ કરો’. મને થોડી વધુ ફિલ્મો મળી અને વધુ કામ મળતું રહ્યું. હું ભૂલી ગયો કે, મારો પાસપોર્ટ કયો છે? મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આ પાસપોર્ટ બદલવો જોઈએ પણ હવે હા, મેં મારો પાસપોર્ટ બદલવા માટે અરજી કરી છે.
55 વર્ષીય અક્ષય કુમાર ‘હેરા ફેરી’, ‘નમસ્તે લંડન’, ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ અને ‘પેડમેન’ જેવી ફિલ્મો માટે જાણીતો છે.
આ પણ વાંચો – હેરાફેરી 3નું શૂટિંગ શરૂ: અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટી ફરી ધૂમ મચાવશે
સેલ્ફી આવતીકાલે રિલીઝ થશે
અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી આવતીકાલે એટલે કે, 24 ફેબ્રુઆરી 2023ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં છે. ફિલ્મનું ગીત ‘મેં ખિલાડી’ ધૂમ મચાવી રહ્યું છે.