Akshay Kumar Provides Health And Accident Coverage : તામિલનાડુમાં 13 જુલાઈના રોજ ડાયરેક્ટર પી.એ. રંજીતની ફિલ્મ ‘આર્ય’ના શૂટિંગ દરમિયાન સ્ટંટ કરતી વખતે સ્ટંટમેન એસએમ રાજુનું કરુણ મોત થયું હતું. આગામી ફિલ્મ ‘વેટ્ટુવન’માં એક હાઈ રિસ્ક કાર ઓવરટર્નિંગ સીનના શૂટિંગ દરમિયાન આ સ્ટંટમેનનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર પણ વાયરલ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતથી સૌ કોઈ અત્યંત દુઃખી છે. આ દરમિયાન, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કરનારા સ્ટંટમેન અને સ્ટંટવુમનનો લાઇફ ઇન્સ્યોરન્સ કરાવ્યા છે.
અક્ષય કુમારે 700 જેટલા સ્ટંટમેન અને સ્ટંટવુમનનો જીવન વીમો ઉતરાવ્યો
અક્ષય કુમારે ભારતભરના 700 જેટલા સ્ટંટમેન અને સ્ટંટવુમનના જીવનનો વીમો ઉતરાવ્યો છે. અક્ષય કુમારની આ પહેલમાં એક્શન ક્રૂ મેમ્બર્સને હેલ્થ અને એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ આપવામાં આવ્યો છે. અક્ષય કુમારના આ કામના વખાણ ‘ગુંજન સક્સેના’, ‘એન્ટિમ’, ‘ઓએમજી 2’ અને આગામી ફિલ્મો ‘ધડક 2’ અને ‘જીગરા’ જેવી ફિલ્મોના સ્ટંટ પ્રોફેશનલ વિક્રમ સિંહ દહિયાએ કર્યા છે.
વિક્રમ સિંહે કહ્યું કે, “અક્ષય સરનો આભાર, બોલિવૂડમાં લગભગ 650 થી 700 સ્ટંટમેન અને એક્શન ક્રૂ મેમ્બર્સ હવે વીમા હેઠળ છે. આ પોલિસીમાં 5 થી 5.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ મેડિકલ સારવાર આપવામાં આવે છે. પછી ભલેને ઈજા સેટ પર હોય કે સેટની બહાર. ”
તમને જણાવી દઈએ કે સ્ટંટમેન રાજુના મોતના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં રાજુ પૂરપાટ ઝડપે કાર ચલાવતો જોવા મળ્યો હતો, ત્યારબાદ અચાનક કાર પલટી ખાઇ જાય છે. ત્યાં હાજર ક્રૂ મેમ્બર્સની ટીમને પહેલા કંઇ સમજાતું નથી અને પછી અચાનક બધા ઘટના સ્થળે દોડી જાય છે. ટીમના સભ્યો દૂર્ઘટનાગ્રસ્ત કાર માંથી રાજૂને બહાર કાઢતા દેખાય છે, જો કે કમનસીબે રાજુની મોત થઇ ગઇ હોય છે.