દંગલ ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘રામાયણ’પર ફિલ્મને બનાવવા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે. જેને લઇને પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતુ કે, ફિલ્મ રામાયણમાં સાઉથની સુપરસ્ટાર સાઇ પલ્લવી અને રણબીર કપૂર જોવા મળશે, પરંતુ હવે નવી કાસ્ટનું નામ સાંભળીને તમે બધા દંગ રહી જશો. પિંકવિલાના અહેવાલ અનુસાર, નિતેશ કુમારની ફિલ્મ ‘રામાયણ’માં આલિયા ભટ્ટ માતા સીતાના રોલમાં અને રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળી શકે છે.
પ્રાપ્ત વિગત અનુસાર, નિતેશ તિવારીની ફિલ્મ રામાયણમાં માતા સીતાના રોલ માટે આલિયા ભટ્ટની એન્ટ્રી થઇ ગઇ છે. નિતેશ તિવારી ડિસેમ્બર 2023માં આ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે અને દિવાળી પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી શકે છે.
ફિલ્મમાં રાવણના પાત્રને લઇને પણ ખુલાસો કરવામાં આવ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને KGFના એક્ટર યશ રાવણનું પાત્ર ભજવી શકે છે. એટલું જ નહીં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો લૂક ટેસ્ટ પણ ચાલી રહ્યો છે. આ રીતે બોલિવુડ રામાયણ પર વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે. ત્યારે હાલ ‘રામાયણ’ પર આધારિત આદિપુરૂષ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં રામના અવતારમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને માતા સીતાના પાત્રમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી ક્રિતિ સેનન જોવા મળશે.
પિંક વિલાના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, રામાયણના મેકર્સ રાવણના રોલ માટે છેલ્લા આઠ મહિનાથી KGF સ્ટાર યશ સાથે વાતચીત કરી રહ્યા છે. ઘણી હા-ના પછી હવે વાતચીત સાચી દિશામાં છે. યશ પણ હવે સકારાત્મક પ્રતિસાદ આપી રહ્યો હોવાનું જાણવા મળે છે. જો કે, તેણે હજુ સુધી હા નથી કહી, પરંતુ ફિલ્મના દિગ્દર્શક મધુ મન્ટેનાને પૂરી આશા છે કે યશ રાવણના રોલ માટે સહમત થઇ જશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મામલો કેટલાક નાના મુદ્દાઓ પર અટવાયેલો છે.





