Amitabh Bachchan Birthday : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરના રોજ પોતાનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વખતે અભિનેતાનો જન્મદિવસ બિગ બી તેમજ તમામ ચાહકો માટે ખુબ જ ખાસ હશે.
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને હિન્દી સિનેમામાં પોતાની દમદાર એક્ટિંગથી પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. પાંચ દાયકાથી વધુની લાંબી કારકિર્દી સાથે બિગ બીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને તેમને સિનેમા જગતનું ગૌરવ કહેવામાં આવે છે. આજે પણ અમિતાભ બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે.
અમિતાભ બચ્ચનની શાનદાર કારકિર્દીને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘બચ્ચનેલિયા’ નામનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં, ચાહકોને અભિનેતાની સિનેમેટિક કારકિર્દીને ફરીથી જીવંત કરવાની તક મળી. અમિતાભ બચ્ચનની જે યાદગીરીઓ હરાજી કરાઇ તેમાં તેમના આઇકોનિક ફિલ્મ પોસ્ટરો, ફોટોગ્રાફ્સ, લોબી કાર્ડ્સ, શોકાર્ડ્સ, ફોટોગ્રાફ્સ, ફિલ્મ બુકલેટ્સ અને ઓરિજનલ આર્ટવર્કનો સમાવેશ થાય છે.
સુરતના ઉદ્યોગપતિ સુનીલ શાહની અમિતાભ બચ્ચનના ખૂબ જ મોટા પ્રશંસકોમાં ગણતરી થાય છે અને અમિતાભ બચ્ચન સાથે તેમના સારા સંબંધો છે. તેઓ દ્વારા દર વર્ષે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે પણ અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ રિલીઝ થાય ત્યારે પણ વિવિધ સમાજિક સેવાના કાર્યોને જોડીને કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર, સુનીલ શાહે જણાવ્યું હતું કે, ‘11મી ઓક્ટોબરે બિગ બી અમિતાભ બચ્ચનનો 81મો જન્મદિવસ છે ત્યારે બચ્ચન સાહેબના જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ સંજીવ કુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે. અહીં તેમના પ્રશંસકોની હાજરીમાં કેક કટિંગ કરવામાં આવશે અને આ સમયે અમિતાભ બચ્ચન લાઈવ જોડાશે. આ ઉપરાંત અમિતાભ પ્રશંસકો સાથે વાર્તાલાપ પણ કરશે.’
આ સાથે જ સુનીલ શાહ દ્વારા તેમને અમિતાભ બચ્ચન દ્વારા ભેટમાં આપવામાં આવેલા કેબીસીના સુટ, ઓટોગ્રાફ વાળી ટી શર્ટ, પુસ્તકો અને અમિતાભ બચ્ચન દ્વારા લખાયેલા પત્રો સહિતની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ ઓડિટોરિયમમાં યોજવામાં આવશે.





