બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેના ચાહકોને આજે રવિવારે પોતાના બંગલા જલસા બહાર ન આવવા માટે ચેતવણી આપી હતી. બિગ બીએ પોતાના ચાહકોને મુશ્કેલીમાંથી બચાવવા માટે શનિવારે રાત્રે પોતાના બ્લોગમાં માહિતી આપી દીધી હતી. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન પોતાના પ્રશંસકોનું ખુબ ધ્યાન રાખે છે. ત્યારે આ વખતે કેમ બિગ બી તેના ચાહકોને ના મળ્યા તે અંગે આ અહેવાલમાં વાંચો.
અમિતાભ બચ્ચને ગઇકાલે શનિવારે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે, આ વખતે તેઓ પ્રોફેશનલ કમિટમેંટના કારણે ચાહકોને મળી શકશે નહીં. આ સાથે લખ્યું હતું કે, હું સાંજે 5:45 સુધીમાં પાછા ફરવાનો પ્રયાસ કરીશ, પરંતુ કદાચ મોડું થશે, તેથી ગેટ પર ન આવવા માટે હું અગાઉથી ચેતવણી આપું છું.
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમની આગામી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ ‘સેક્શન 84’ ખૂબ જ ચૅલેન્જિંગ છે. આ ફિલ્મના શૂટિંગ વિશે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘મારે એક વાત કન્ફેસ કરવી છે કે ‘સેક્શન 84’ જે પ્રકારની ફિલ્મ છે અને મારો રોલ પણ જે પ્રકારનો છે એ જોતાં એ ખૂબ જ ચૅલેન્જિંગ લાગી રહ્યું છે. દિવસના કામ પૂરું થયું હોય અને તમે ઘરે હો તો પણ ફિલ્મ દિમાગમાંથી નથી જતી. ઘણી વાતો મગજમાં અને બૉડીમાં ચાલ્યા કરતી હોય છે. દરેક ફીલ્ડની પ્રોફેશનલ વ્યક્તિ સાથે આવું થતું હોય છે. આ એક જાતનું ડિસ્ટબર્ન્સ છે.’
નાગ અશ્વિનના પ્રોજેક્ટ-કેના હૈદરાબાદ સેટ પર એક એક્શન સિક્વન્સ માટે શૂટિંગ કરતી વખતે પોતાને ઇજા થતાં પીઢ અભિનેતાએ માર્ચની શરૂઆતમાં તમામ શૂટ રદ કર્યા હતા. તાજેતરમાં જ તેઓ ફરીથી કામ પર પરત ફર્યા છે. સેક્શન 84 રિભુ દાસગુપ્તા દ્વારા લખાયેલી અને નિર્દેશિત છે. તેમાં ડાયના પેન્ટી, અભિષેક બેનર્જી અને નિમરત કૌર પણ જોવા મળશે. આ સિવાય બિગ બી ટૂંક સમયમાં કૌન બનેગા કરોડપતિની નવી સીઝન સાથે ટીવી પર ચમકશે.