બોલિવૂડના શહેનશાહ અને ચાહકોના દિલ પર રાજ કરનારા અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા માટે તેમના બંગલા જલસાની બહાર હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે. જો કે અભિનેતા પણ તેમની ઇચ્છાને સંપૂર્ણ માન આપે છે અને દર રવિવારે ઘરની બહાર તેમને મળવા આવે છે. બિગ બી વર્ષોથી ચાહકોને મળવાની આ પરંપરાને નિભાવી રહ્યા છે. ત્યારે અમિતાભ બચ્ચની આ દિનચર્યાની સૌથી રસપ્રદ વાત કંઇ છે જાણો છો તમે? અમિતાભ બચ્ચન દર રવિવારે તેના ઘરની બહાર ખુલ્લા પગલે ચાહકોને મળવા જાય છે. હવે તેણે તેની આ આદત પાછળના રહસ્ય અંગે ખુલાસો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન પોતાના બ્લોગમાં અવારનવાર તેમના દિલની વાત ચાહકો સાથે શેર કરે છે. તેવામાં અમિતાભ બચ્ચને ગયા રવિવારે તેમના બ્લોગ પર ચાહકો સાથેની તેમની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોને ખુલ્લા પગલે મળવાનું કારણ જણાવ્યું છે. બિગ બીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, જ્યારે અમે મંદિરમાં જઇએ છીએ ત્યારે ખુલ્લા પગે જઇએ છીએ અને બિગ બી માટે તેમના ચાહકો મંદિર છે. તેથી જ જ્યારે પણ તે તેના પ્રિયજનોને મળે છે, ત્યારે તે ખુલ્લા પગે જાય છે.
અમિતાભ બચ્ચન અને તેની પત્ની જયા બચ્ચને તાજેતરમાં તેમની 50મી વર્ષગાંઠ ઉજવી હતી. તેમણે આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે તેમના બ્લોગ પર લખ્યું, “3જી જૂન માત્ર થોડા જ દિવસોમાં શરૂ થાય છે..અને 50 વર્ષ ગણાય છે..આવે છે અને ગયા છે તે પ્રેમ, આદર અને શુભેચ્છાઓ માટે આભાર. અમિતાભ અને જયાએ 1973માં મુંબઈમાં સિમ્પલ રીતે લગ્ન કર્યા હતા. તેઓ 1974માં પુત્રી શ્વેતા અને 1976માં પુત્ર અભિષેકના માતા-પિતા બન્યા હતા.
અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઊંચાઇમાં જોવા મળ્યા હતા. આ દિવસોમાં બિગ બી પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બિગ બીની સાથે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટની પણ જોવા મળશે. આ પ્રોજેક્ટનું શૂટિંગ છેલ્લા ઘણા સમયથી હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે. ત્યાં પ્રોજેક્ટનો વિશાળ સેટઅપ તૈયાર કરવામાં આવ્યો છે.





