Anushka Sharma Sales Tax Case: બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma) મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) એક્ટ હેઠળ નાણાકીય વર્ષ 2012-13 અને 2013-14 માટે ડેપ્યુટી કમિશનર ઓફ સેલ્સ ટેક્સ (Sales Tax) દ્વારા પસાર કરાયેલા બે આદેશો મામલે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યા હતા. પરંતુ અનુષ્કાને આ મામલે કોઈ રાહત મળી નથી તેવા સમાચાર સામે આવ્યાં છે.
બોમ્બે હાઈકોર્ટે અનુષ્કા શર્માને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે આકારણી વર્ષ 2012-16 માટે મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ હેઠળ રાજ્યના વેચાણવેરા વિભાગ દ્વારા જારી કરાયેલા વિવાદિત આદેશને બાજુ પર રાખ્યો હતો. જસ્ટિસ નીતિન જામદાર અને અભય આહુજાની બેચે ચુકાદો આપતાં કહ્યું કે અભિનેત્રી મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ હેઠળ ચુકાદા સામે અપીલ દાખલ કરી શકે છે.
શું છે સમગ્ર મામલો ?
સૌપ્રથમ આ મામલો ડિસેમ્બર 2022માં જ્યારે અનુષ્કા શર્માના ટેક્સ કન્સલ્ટન્ટ શ્રીકાંત વેલેકરે મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી હતી ત્યારે સામે આવ્યો હતો. જો કે, હાઇકોર્ટે તેમની અરજી સ્વીકારનો ઇન્કાર કરતા અનુષ્કાએ ફરી ગયા સપ્તાહમાં અરજી દાખલ કરી હતી. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે એવું કોઈ કારણ નથી કે અસરગ્રસ્ત વ્યક્તિ (અનુષ્કા શર્મા) પોતે અરજી ન કરી શકે.
2012-13 માટે મહારાષ્ટ્ર સરકારે અનુષ્કા શર્માની રૂ. 12.3 કરોડની કમાણી પર રૂ. 1.2 કરોડનો સેલ્સ ટેક્સ (વ્યાજ સહિત) લાદ્યો હતો. 2013-14 દરમિયાન તેમને મળેલા 17 કરોડ રૂપિયા પર 1.6 કરોડ રૂપિયા ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીને આ એવોર્ડ સામારોહ, જાહેરાતો માટે મળી હશે.
અનુષ્કાની અરજીઓ શું કહે છે?
અનુષ્કા શર્માની અરજીઓ મુજબ તેણે યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ, એજન્ટ અને કાર્યક્રમના નિર્માતા/આયોજકો સાથે ત્રિપક્ષીય વ્યવસ્થાના ભાગરૂપે અમુક સમયગાળા દરમિયાન અમુક ફિલ્મો અને એવોર્ડ સમારંભોમાં પર્ફોર્મન્સ આપ્યું હતું પરંતુ, આકારણી અધિકારીએ તેમની ફિલ્મો પર નહીં પરંતુ કોમર્શિયલ જાહેરાતો અને એવોર્ડ શોમાં એન્કરિંગના આધારે સેલ્સ ટેક્સનું મૂલ્યાંકન કર્યું હતું.