Bhumika Chawla Birthday : ભૂમિકા ચાવલા (Bhumika Chawla) હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી જે આજે 21મી ઓગસ્ટએ પોતાનો 45 મો જન્મદિવસ (Birthday) સેલિબ્રેટ કરી રહી છે, તેણે તેલુગુ અને તમિલ સિનેમામાં પોતાનું નામ બનાવ્યા બાદ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તેરે નામ’માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. અભ્યાસ પૂરો કરતાની સાથે જ તે મુંબઈ આવી ગઈ હતી, કારણ કે તેને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો. અહીં સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં ભૂમિકા ચાવલા વિષે વધુમાં જાણો
ભૂમિકા ચાવલા કરિયર (Bhumika Chawla Career)
ભૂમિકાની ફિલ્મી કરિયરની શરૂઆત સાઉથ સિનેમાથી થઈ હતી. તેણે વર્ષ 2000 માં રિલીઝ થયેલી ફિલ્મ યુવાકુડુથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પડદા પર ખાસ પ્રભાવ પાડી શકી ન હતી, પરંતુ તેણે તેની બીજી તમિલ ફિલ્મ ‘બદરી’થી ઘણી સફળતા મેળવી હતી. તેણે આ ફિલ્મથી બધાના દિલ જીતી લીધા હતા. આ પછી તેણે તેની ત્રીજી ફિલ્મ ખુશીથી તેની અભિનય કારકિર્દીને એક નવો આયામ આપ્યો હતો. આ એક તેલુગુ ફિલ્મ હતી, જેણે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડ્યા હતા.
ભૂમિકા ચાવલા મુવીઝ (Bhumika Chawla Movies)
તેણે સુપરસ્ટાર સલમાન ખાન સાથે હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. તેની પહેલી જ ફિલ્મ મોટા સુપરસ્ટાર સાથે હતી. ફિલ્મને લઈને ઘણી ઉત્તેજના હતી અને ફિલ્મ લોકોના દિલ જીતવામાં ઘણી સફળ રહી હતી. આ ફિલ્મમાં તેણે પોતાના સરળ પાત્રમાં શાનદાર અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મ પછી તે અભિષેક બચ્ચન સાથે રનમાં પણ જોવા મળી હતી. આ પછી તેણે ‘દિલ ને જીસે અપના કહા’, ‘ગાંધી માય ફાધર’, ‘દિલ જો ભી કહે’ અને ‘સિલસિલે’ જેવી અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ પણ વાંચો: Salim Khan : એન્ગ્રી યંગ મેન પ્રાઈમ વિડીયો પર સ્ટીમ, સલમાન ખાનના પિતા સલીમ ખાનના જીવનના સિરીઝમાં ઘણા ખુલાસા
પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવતી ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ દિલ્હીમાં થયો હતો. તેનું સાચું નામ રચના ચાવલા છે. અભિનેત્રીએ તેનું શિક્ષણ દિલ્હીથી પૂર્ણ કર્યું, ત્યારબાદ તે 1998માં મુંબઈ આવી. અહીં તેણે પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની દ્વારા ફોટોશૂટ કરાવ્યું હતું, ત્યારબાદ તેને ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યું છે. આ પછી તેનું ફિલ્મી કરિયર આગળ વધતું ગયું હતું.
ભૂમિકા ચાવલા પતિ (Bhumika Chawla Husband)
સલમાન ખાન સાથે હિન્દીમાં ડેબ્યુ કર્યા પછી પણ અભિનેત્રીનું કરિયર લાંબુ ટકી શક્યું નહીં. આ પછી અભિનેત્રીએ 2007માં યોગ ટ્રેનર ભરત ઠાકુર સાથે લગ્ન કર્યા. યોગ શીખતી વખતે તેને ભરત સાથે પ્રેમ થઈ ગયો, ત્યારબાદ બંનેનું લગભગ ચાર વર્ષ સુધી અફેર રહ્યું હતું. અભિનેત્રી ટૂંક સમયમાં તમિલ રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘બ્રધર’માં જોવા મળશે, જેમાં પ્રિયંકા મોહન અને જયમ રવિ પણ છે.





