બિગ બોસ 16ના વિજેતા ‘બસ્તી કા હસ્તી’ એમસી સ્ટેન હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તેના માટે ફેન્સનો ક્રેઝ જોઈને દરેક આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. પ્રખ્યાત રેપર એમસીએ બિગ બોસ દ્વારા સામાન્ય લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે. જેને પગલે એમસી સ્ટેને લોકોના વોટ મેળવી બિગ બોસની ટ્રોફી જીતી હતી. એટલું જ નહીં તેણે જીત્યા બાદ ઘણા રેકોર્ડ તોડી નાખ્યાં છે. હવે એમસી સ્ટેને વિરાટ કોહલીને માત આપીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે.
એમસી સ્ટેને તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર સલમાન ખાન સાથે વિજેતા મોમેટની એક તસવીર શેર કરી હતી. જેમાં તેણે તેના ચાહકોના પ્રેમ માટે આભાર માન્યો હતો. આ તસવીર જોઈને ચાહકોની લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થયો હતો. આ પોસ્ટને થોડા કલાકોમાં જ 69,52,351 લાઇક્સ મળી અને 1,47,545 લોકોએ તેના પર ટિપ્પણી કરી હતી.
અહીંયા નવાઇની વાત એ છે કે, અત્યાર સુધી બિગ બોસના કોઈપણ વિજેતાની પોસ્ટ પર આટલી બધી લાઈક્સ કે કોમેન્ટ્સ આવી નથી. ભલે તે સિદ્ધાર્થ શુક્લા હોય કે પછી તેજસ્વીની પ્રકાશ.
એમસી સ્ટેને શેર કરેલી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, “અમે ઈતિહાસ રચ્યો છે. સંપૂર્ણ સમય સાચો રહ્યો, નેશનલ ટીવી પર હિપ હોપ કર્યું તેમજ અમ્મીનું સપનું સાકાર થયું અને ટ્રોફી પણ ઘરે આવી ગઇ. જેણે મને આટલો પ્રેમ આપ્યો એ તમામને હકથી સલામ, અંત સુધી સ્ટેન.
હવે સૌથી મહત્વની વાત એ છે કે, એમસી સ્ટેને માત્ર બિગ બોસના વિજેતાને જ નહીં, પરંતુ ક્રિકેટર વિરાટ કોહલીને પણ લોકપ્રિયતાના મામલે માત આપી દીધી છે. ફેન્સે વિરાટ કોહલીનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જ્યાં એક તરફ સ્ટેનની જીતનો જશ્ન અટકવાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ ઘણા લોકોને તેની જીત યોગ્ય નથી લાગી રહી. લોકો માને છે કે પ્રિયંકા શિવ સ્ટેન કરતાં ટ્રોફીની વધુ લાયક હતી. સ્ટેને બિગ બોસમાં કંઈ કર્યું નથી, તેને જીતાડવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.