Chandrayaan 3 Mission : ઈસરો મિશન મૂન હેઠળ મહત્વાકાંક્ષી ચંદ્રયાન 3 આજે 14 જુલાઇ, 2023ના રોજ લોન્ચ કરશે. ચંદ્રયાન 3 ઇસરોના આંધ્રપ્રદેશ સ્થિત શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશન ખાતે બપોરે 2.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. ચંદ્ર ઉપર પહોંચવાનું આ પહેલું મિશન નથી, અનેક દેશોએ ઘણી વખત ચંદ્ર ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બહુ ઓછાને સફળતા મળી છે. આવી સ્થિતિમાં ચંદ્રયાન 3 પાસેથી વૈજ્ઞાનિકો અને દેશને ઘણી આશા બંધાયેલી છે. શું તમે જાણો છો ચંદ્રયાન 3ના નિર્માણ માટે કેટલા કરોડનો ખર્ચ કરાયો છે? અહીંયા રસપ્રદ વાત એ છે કે ચંદ્રયાન 3 હિંદુ પૌરાણિક મહાકાવ્ય પર આધારિત ફિલ્મ ‘આદિપુરૂષ’થી બહુ ઓછા બજેટમાં તૈયાર થઇ ગયું છે.
સાઉથ સુપરસ્ટાર પ્રભાસની આદિપુરૂષ લગભગ 600થી 700 કરોડના મેગા બજેટમાં નિર્માણ પામી હતી. જો કે, આ ફિલ્મ તથ્ય સાથે છેડછાડ થતાં ખરાબ રીતે સિનેમાઘરોમાં નીચે પટકાઇ ગઇ હતી. જેને પગલે ફિલ્મના નિર્માતાઓને બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો.
ચંદ્રયાન 3 મિશનની વિશેષતા
હવે ચંદ્રયાન 3 મિશન વિશે વાત કરીએ તો તેમાં ઓર્બિટરના સ્થાને સ્વદેશી પ્રોપ્લશન મોડ્યુલ છે. ચંદ્રયાન જ્યારે ચંદ્રની સપાટી પર લેન્ડ થશે ભારતનું નામ રશિયા, અમિરેકા અને ચીન સાથે જોડાઇ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રયાન 3ના નિર્માણ પાછળ લગભગ 615 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આપને જણાવી દઇએ કે, ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચવામાં 42 દિવસનો સમય લાગી શકે છે, તે 23 ઓગસ્ટની પરોઢે ચંદ્ર પર લેન્ડ થવાની શક્યતાછે. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. જો ચંદ્રયાન અહીં સુધી પહોંચવામાં સફળ થાય છે, તો ભારત તે ભાગ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે. કહેવાય છે કે, ચંદ્ર પૃથ્વીથી જ તૂટીને હનેલો છે, પરંતુ માનવીય ગતિવિધિઓને કારણે પ્રારંભિક ઈતિહાસ પૃથ્વી પરથી ભૂંસાઈ ગયો છે.
ચંદ્રયાન 3 મિશન આ રીતે લાઇવ નિહાળી શક્શો
ઈસરોની વેબસાઈટ આ ખાસ પળનું સાક્ષી બનવા લોકો પાસે બુકિંગ લઈ રહી છે. તમે ISROની સત્તાવાર વેબસાઇટ http://www.isro.gov.in પર લોન્ચ વ્યૂ ગેલેરીમાં સીટ બુક કરી શકો છો. ઈસરોના વડા એસ સોમનાથે જણાવ્યું કે, ચંદ્રયાન-3નું લોન્ચીંગ જોવા માટે તમે ઈસરોની વેબસાઈટ પર જઈને તમારી સીટ બુક કરી શકો છો. આ સિવાય તમે ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો.
ચંદ્રયાન-3 તેની સાથે શું લઈને જશે?
ચંદ્રયાન-3નું વજન 3,900 કિલો છે, જ્યારે પ્રોપલ્શન મોડલનું વજન 2,148 કિલો છે. તેના લેન્ડર અને રોવરની વાત કરીએ તો, તેનું વજન 1752 કિલો છે. તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન-3 પોતાની સાથે લેન્ડર લઈને જઈ રહ્યું છે. તે ચંદ્રની દક્ષિણ સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડિંગ પછી, તેમાંથી એક રોવર બહાર આવશે, જે ચંદ્રની સપાટીનો અભ્યાસ કરશે. એચડી કેમેરા સિવાય તેના પર અન્ય ઘણા ઉપકરણો પણ લગાવવામાં આવ્યા છે. આ રોવર 14 દિવસ સુધી કામ કરી શકશે. જો તેને વધુ સૂર્યપ્રકાશ મળશે તો રોવર લાંબા સમય સુધી કામ કરવાની પણ ક્ષમતા ધરાવે છે.