મલ્ટિપ્લેસમાં ફિલ્મ જોવા જનાર લોકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટેના આ ચુકાદાથી સિનેમા હોલ કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જનારા લોકોને બહારથી પાણીની બોટલ કે ખાવાની ચીજવસ્તુઓ અંદર લઇ જવા પર પ્રતિબંધ મૂકાઇ શકે છે.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું?
સિનેમા હોલ ખાનગી મિલકત છે. સિનેમા હોલના માલિકને તેની અંદર શું વેચવામાં આવશે અને શું નહીં વેચવામાં આવશે તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સિનેમા હોલનો માલિક સિનેમા જોવા આવતા લોકોને સિનેમા હોલની અંદર બહારનું ખાવા-પીવાનું લાવવાથી રોકી શકે છે, પરંતુ તે લોકોને અંદર વેચાતી વસ્તુઓ ખરીદવા માટે દબાણ કરી શકે નહીં. સિનેમા કે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા માટે જનાર લોકો ત્યાં અંદર વેચાતી વસ્તુઓ ખરીદવી કે ન ખરીદવી તેનો નિર્ણય લેવા સ્વતંત્ર છે. મલ્ટિપ્લેક્સ માલિકોની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
સર્વોચ્ચ અદાલેત કહ્યું કે, સિનેમા હોલના માલિકોને ખાણીપીણીની ચીજોના વેચાણના નિયમો અને શરતો નક્કી કરવાનો અધિકાર છે અને તેઓ નક્કી કરી શકે છે કે બહારની ખાદ્ય ચીજોને થિયેટરમાં લાવવાની મંજૂરી આપવી કે નહીં.
હાઈકોર્ટે 2018માં સિનેમા હોલમાં દર્શકોને આપી હતી મોટી રાહત
સર્વોચ્ચ અદાલતે જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે, જેણે જુલાઈ 2018માં રાજ્યના મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલના માલિકોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દર્શકોને બહારથી ખાણીપીણીની ચીજવસ્તુઓ અને પાણી થિયેટરોની અંદર લઇ જતા અટકાવે નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કહ્યું કે, સિનેમા હોલ તેના માલિકની ખાનગી મિલકત છે, જેને નિયમો અને શરતો નક્કી કરવાનો અધિકાર છે જ્યાં સુધી તે જાહેર હિત, સલામતી અને કલ્યાણ માટે પ્રતિકુળ ન હોય.
સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીરના સિનેમા હોલમાં બહારથી લાવવામાં આવેલા ભોજન પર પ્રતિબંધ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીર સિનેમા હોલ ઓનર્સ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે સુનાવણી દરમિયાન અનેક રસપ્રદ અવલોકનો કર્યા હતા.
સિનેમા હોલમાં જનારે નિયમો- શરતોનું પાલન કરવું પડે
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે, “દર્શક મનોરંજન માટે સિનેમા હોલમાં આવે છે. અમારો સ્પષ્ટ મત છે કે હાઈકોર્ટે રાજ્યને આદેશ આપીને બંધારણની કલમ- 226 હેઠળ પોતાના ન્યાય ક્ષેત્રની મર્યાદાનું ઉલ્લંઘન કર્યુ છે, જેમાં જણાવ્યુ હતુ કે દર્શકો દ્વારા સિનેમા હોલના પરિસરમાં બહારથી ખાવાપીવાની ચીજ વસ્તઓ લાવવા પર કોઈ પ્રતિબંધ હોવો જોઈએ નહીં.’ સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ આવેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું કે ફિલ્મ જોવી કે નહીં તે સંપૂર્ણપણે દર્શકની પસંદગીનો વિષય છે અને જો તે સિનેમા હોલમાં પ્રવેશ કરે છે તો તેણે નિયમો અને શરતોનું પાલન કરવું પડશે.