Deepika Padukone Pregnancy News: બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના પાંચ વર્ષ બાદ માતા પિતા બનવા જઇ રહ્યા છે. પરિવારમાં નવા મહેમાનના સ્વાગતને લઇને બંને ખુશ છે. દીપિકા અને રણવીરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી આ ખુશખબર આપ્યા છે. સાથોસાથ બાળક જન્મની ડ્યૂ ડેટ સપ્ટેમ્બર 2024 પણ જણાવી છે.
દીપિકા અને રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરી છે જેમાં શબ્દોથી નહીં પરંતુ માર્મિક રીતે પ્રેગનન્સીની વાત કહી છે. નાના બેબીના કપડા, રમકડાં, ટોપી અને બૂટના ગ્રાફિક્સ ઇમોજી સાથે સપ્ટેમ્બર 2024 લખ્યું છે. દીપિકાની આ પોસ્ટ એ ઇશારો કરે છે કે સપ્ટેમ્બરમાં તેણી બાળકને જન્મ આપી શકે છે.
દીપિકા પાદુકોણ બાળકો સાથે પોતાને વધુ ખુશ માને છે. મીડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ આ વાત કહી હતી. દીપિકાએ કહ્યું હતું કે, તે ફેમિલી લાઇફને સારી રીતે એન્જોય કરવા ઇચ્છે છે. તેને બાળકો ઘણા વ્હાલા છે અને તે ઘણા બાળકોને જન્મ આપશે.
બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણની પ્રેગનેન્સીની ચર્ચાઓ બાફટા એવોર્ડથી ઉઠી હતી. બાફટા એવોર્ડના ફોટો અને વીડિયો જોઇ લોકો કહી રહ્યા હતા કે દીપિકા માતા બનવા જઇ રહી છે. જોકે વાતને કોઇ સત્તાવાર સમર્થન ન મળતાં ફેન્સ રાહ જોઇ રહ્યા હતા. દીપિકાએ જાતે જ આ વાતને સમર્થન આપતાં ફેન્સ શુભેચ્છાઓ વરસાદ વરસાવી રહ્યા છે.
દીપિકા પાદુકોણ પ્રેગનેન્સીને લઇને હંમેશા ચર્ચામાં રહી છે. લગ્ન બાદ તેણી ઘણીવાર આ મુદ્દે ચર્ચામાં આવી છે. એક ઇન્ટરવ્યૂમાં આ અંગે સવાલ કરાતાં દીપિકા પાદુકોણ ગુસ્સે થઇ ગઇ હતી અને એવું કહ્યું હતું કે, જ્યારે થવાનું હશે ત્યારે થઇ જશે. લગ્ન પછી મહિલાઓને આવા સવાલ પુછવામાં આવે છે. જ્યારે આવા સવાલ પુછવાનું બંધ થશે ત્યારે સમાજમાં પરિવર્તન આવશે.
દીપિકા પાદુકોણના વર્કફ્રંન્ટની વાત કરીએ તો પઠાણ સહિતની ફિલ્મો સફળ રહેતાં વર્ષ 2023 તેણી માટે ઘણું સારુ રહ્યું હતું. અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તે સિંઘમ 3, ડોન 3 અને લવ એન્ડ વોર ફિલ્મમાં દેખાશે.





