Best Movies And Dialogues Of Dharmendra : બોલીવુડના હીમેન ધર્મેન્દ્ર હોસ્પિટલમાં દાખલ છે. તેમની ઉંમર 89 વર્ષ છે. બોલીવુડ સેલિબ્રિટીઓ અને ચાહકો ધર્મેન્દ્ર સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ધર્મેન્દ્ર વિલેતા સમયની બોલીવુડ ફિલ્મના પ્રખ્યાત અભિનેતા છે. તેમની ફિલ્મોની જેમ ડાયલોગ પણ બહુ ફેમસ થયા છે. ધર્મેન્દ્રની શોલે ફિલ્મ દરેકે જોઇ જ હશે. સિનેમા પ્રેમીઓમાં તેમની ફિલ્મોની વાર્તાઓ પણ ઘણી સાંભળવામાં આવે છે. તાજેતરમાં તેમની આગામી ફિલ્મ ટ્વેન્ટી વનનું ટ્રેલર રિલિઝ થયું હતું જેમાં તેમના પાત્રની દમદાર ઝલક જોવા મળી હતી. આજે આપણે એવી ફિલ્મોની વાત કરી રહ્યા છીએ જેણે અભિનેતા ધર્મેન્દ્રને બોલીવુડના હીમેનનુ બિરુદ અપાવ્યું છે.
શોલે
શોલે ધર્મેન્દ્રની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ફિલ્મ છે. અભિનેતાના ચાહકોનું માનવું છે કે આ ફિલ્મનું નામ લીધા વગર અભિનેતાની ફિલ્મ કરિયરની સમીક્ષા કરવી મુશ્કેલ છે. વીરુના રોલમાં તેમણે બધાને પ્રભાવિત કર્યા છે. રમેશ સિપ્પીની આ ફિલ્મના ઘણા ડાયલોગ્સ ફેમસ થયા હતા. શોલે ફિલ્મનો સૌથી ફેમસ ડાયલોગ છે – બસંતી યે કુત્તો કે સામને મત નાચના.
ફુલ અને પથ્થર
ધર્મેન્દ્ર વિશે વાત કરીયે તો ફુલ અને પથ્થર ફિલ્મથી તેમને સ્ટારડમ મળ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મના કારણે અભિનેતાને બોલિવૂડના હીમેન કહેવામાં આવતા હતા. ફિલ્મમાં અભિનય સિવાય તેમનું વ્યક્તિત્વ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું અને તે પછી જ તે ફિલ્મ જગતમાં એક્શન હીરો તરીકે ઉભરી આવ્યા હતા.
ધરમ વીર
વર્ષ 1977માં આવેલી એક્શન ડ્રામા ફિલ્મ ધરમ વીરમાં ધર્મેન્દ્રની એક્ટિંગને પણ ખૂબ વખાણવામાં આવી હતી. અભિનેતાની ફિલ્મ કરિયરની સુપરહિટ ફિલ્મોની યાદીમાં આ મૂવીનું નામ સામેલ છે. ધર્મવીર દ્વારા ધર્મેન્દ્રએ એક્શન અને ઇમોશન બંનેમાં શાનદાર સંતુલન જાળવી રાખ્યું હતું.
ચુપકે ચુપકે
ધર્મેન્દ્રનું નામ પસંદગીના બોલીવુડ સ્ટારની યાદીમાં શામેલ છે, જે કોમેડી ફિલ્મોમાં હજી પણ વખણાય છે. એક્શન ફિલ્મ સાથે ધર્મેન્દ્ર પાજીએ કોમેડી મૂવી પણ કરી છે, તેમા ચુપકે ચુપકે ફિલ્મ બહુ ફેમસ થઇ હતી. 1975માં આવેલી આ ફિલ્મમાં અભિનેતાએ પરિમલ ત્રિપાઠીના પાત્ર દ્વારા બધાને પોતાના દિવાના બનાવી દીધા હતા.
યાદો કી બારાત
બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ ફિલ્મ યાદો કી બારાતમાં તેમના પાત્રને કારણે લોકોને દિવાના કરી દીધા હતા. આ ફિલ્મના ગીતો અને તેમનો લુક હજી પણ ક્લાસિક માનવામાં આવે છે.





