Tamannaah Bhatia Mahadev Betting App Case: તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઉપરાંત બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફેમસ થઇ છે. જો કે તમન્ના ભાટીયા હાલ એક મોટી મુશ્કેલીમાં મુકાઇ છે. મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેત્રીનું નામ સંડોવાયું છે. સ્ત્રી 2 ફેમ અભિનેત્રી તમન્ના ભાટીયની ગુવાહાટીની ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા આ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. જો કે, આરોપી તરીકે તેની પૂછપરછ કરવામાં આવી રહી નથી. અભિનેત્રીની આ પૂછપરછ મોબાઇલ એપના પ્રમોશનના સંદર્ભમાં કરવામાં આવી રહી છે.
ઇડીની તરફથી તમન્ના ભાટિયાને HPZ એપ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તે આગલા દિવસે બપોરે લગભગ 1.3 વાગે ગુવાહાટીની ઇડી ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તેની માતા પણ તેની સાથે હતી.
આ એપ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે 57 હજાર રૂપિયાના રોકાણ માટે રોજના 4 હજાર રૂપિયા ચૂકવવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપિંડી માટે જુદી જુદી બેંકોમાં બોગસ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. તેમા રોકાણકારો પાસેથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહાદેવ એપના કેટલાક સ્ટાર્સ HPZ સાથે પણ જોડાયેલા છે.
બેટિંગ એપ કૌભાંડમાં 497.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત
આ એપ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોકાણકારો તરફથી જે પૈસાનું રોકાણ કરવામાં આવ્યું હતું તેનું આરોપીઓ ક્રિપ્ટો અને બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. આ મામલે ઈડીએ અત્યાર સુધી 497.20 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આ કેસ ક્યાંકને ક્યાંક મહાદેવ એપ કૌભાંડ સાથે પણ જોડાયેલો છે. આમાંથી પૈસા કમાઈને લોકો મહાદેવ સટ્ટાની એપમાં રોકાણ કરતા હતા. આ સાથે જ તમન્ના ભાટિયા પર મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની અરજીને સપોર્ટ કરતી એપ પર આઈપીએલની મેચોને ગેરકાયદેસર રીતે જોવાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. આ સંબંધમાં ઈડીએ સમન્સ પાઠવ્યું હતું.
મહાદેવ સટ્ટાબાજી એપમાં 17 સ્ટાર્સની પૂછપરછ
નોંધનીય છે કે, તમન્ના ભાટિયા પહેલા ઈડી મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઘણા સેલેબ્સને બોલાવી ચૂકી છે. આ મામલે ગત વર્ષે અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર જેવા 17 સ્ટાર્સની પૂછપરછ કરવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ બધાએ એપ્લિકેશનને પ્રમોટ કરી હતી અને તેની જાહેરાતોમાં દેખાયા હતા.





