બોલીવુડમાં સીરીયલ કિસર તરીકે પ્રખ્યાત અભિનેતા ઇમરાન હાશ્મી જેને મર્ડર, મર્ડર 2, આશિક બનાયા આપને અને રાજ જેવી સુપરહિટ ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે. ઈમરાન હાશ્મીએ તેની મોટાભાગની ફિલ્મોમાં કિસિંગ સીન આપ્યા હતા, જેના કારણે તેને સીરીયલ કિસર નામ આપવામાં આવ્યું હતું. હવે ઇમરાન હાશ્મી સંબંઘિત સમાચાર સામે આવ્યા છે કે અભિનેતા સાઉથની એક ફિલ્મથી વિલન તરીકે ડેબ્યુ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઇમરાન હાશ્મીની છેલ્લી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ છે. જેમાં અક્ષય કુમારની સેલ્ફી, વ્હાઇ ચીટ ઇન્ડિયા, ધ બોડી, મુંબઇ સાગા, ચેહરે વગેરે સામેલ છે. જો કે તેની એક્ટિંગના ભરપૂર વખાણ થયા છે. હવે ઇમરાન હાશ્મી તેલુગુ સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ‘ઓ જી’ ફિલ્મમાં ખલનાયક તરીકે મોટા પડદા પર ધમાલ મચાવશે. આ એક એકશન ફિલ્મ હશે અને અભિનેતા પવન કલ્યાણ તેલુગુ સિનેમાનો પાવર સ્ટાર તરીકે ઓળખાય છે. ત્યારે આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર હશે.
આ અંગે માહિતી ફિલ્મ ઓ જીના સર્જકે ટ્વીટર પર શેર કરીને આપી છે. તેમણે શેર કર્યું કે, જ્યારે અમારી પાસે ઓ જી છે, તો અમારી પાસે એક એવો વિલન પણ હોવો જરૂરી છે, જે પાવરફુલ સ્ટ્રાઇકિંગ હોય.લો તમારી સામે હાજર છે, ઇમરાન હાશ્મી.
આ સાથે મુકેલી તસવીરમાં ઇમરાન હાશ્મી ચેક્સવાળો શાનદાર કોટ અને આંખે ગોગલ્સ પહેરેલો જોવા મળે છ.ે ઇમરાને ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવ્યા છે. ઇમરાનની કારકિર્દીને સાઉથથી મોટો ફાયદો મળી શકે એમ છે. પવન કલ્યાણ તેલુગુનો ટોચનો સ્ટાર કહેવાય છે. આ ઉપરાંત ઓ જી એક પાન ઇન્ડિયા ફિલ્મ છે, જે હિંદીની સાથેસાથે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે.





