EXPRESSO Anupam Kher Exclusive : કોઈ પણ ગોડફાધર વિના હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર પીઢ અભિનેતા અનુપમ ખેર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 3 દાયકાથી વધુ સમયથી છે અને તે હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે. તેમણે પોતાની કારકિર્દીમાં 540થી વધુ ફિલ્મો કરી છે, લગભગ 100 નાટકોમાં કામ કર્યું છે. અભિનેતાએ વર્ષ 1982માં ફિલ્મ ‘આગમન’ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તે 1984માં મહેશ ભટ્ટે ડાયરેક્ટ કરેલ નાટક ‘સારાંશ’માં જોવા મળ્યા હતા.
હવે અભિનેતાએ એક્સપ્રેસોની લેટેસ્ટ એડિશનમાં પોતાની કારકિર્દીના પ્રારંભિક સંઘર્ષ વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે તે મુંબઈ છોડીને જવાના હતા, કારણ કે મહેશ ભટ્ટે તેમના સ્થાને સંજીવ કુમારને ‘સારાંશ’માં કાસ્ટ કરવાનું મન બનાવી લીધું હતું. આ પછી તે ડાયરેક્ટરને મળ્યા અને કંઈક એવું કહ્યું કે જે પછી મહેશ ભટ્ટે પોતાનો વિચાર બદલ્યો હતો.
હું મુંબઈ છોડવાની તૈયારી કરી રહ્યો હતો
ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા સાથે વાત કરતા અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે પોતાનો સામાન પેક કરીને મુંબઈ છોડવાની તૈયારી કરી લીધી હતી. જોકે આવું કરતા પહેલા તે મહેશ ભટ્ટ પાસે ગયા અને તેમને કહ્યું કે તમે તે કેબ જોઈ શકો છો, તેમાં મારો સામાન છે. હું શહેર છોડીને જાઉં છું, પણ હું જતાં પહેલાં તમને કહેવા માગું છું કે તુમે આ દુનિયાનો સૌથી મોટો દગાખોર છો. તમે સત્ય પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છો અને તમારી અંદર સત્ય નથી.
અનુપમ ખેરની આ વાત સાંભળ્યા બાદ દિગ્દર્શક મહેશ ભટ્ટે તેમને આ ફિલ્મમાં જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો અને નિર્માતાની સામે પોતાની કાસ્ટિંગનો બચાવ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ‘સારાશ’માં તેમણે બી.વી. પ્રધાનની ભૂમિકા ભજવી હતી. તેમાં અભિનેતાનો અભિનય જોઇને ઘણા લોકોએ તેમના વખાણ કર્યા હતા. આટલું જ નહીં અનુપમ ખેરને આ ડ્રામા માટે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
અનુપમ ખેર જન્મથી જ રાષ્ટ્રવાદી હતા
અભિનેતા અનુપમ ખેરે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભારત વિશે વાત કરતા લોકો મૂંઝવણમાં મૂકે છે કે તે રાજકારણમાં આવવા માંગે છે. મારો જન્મ 1955માં થયો હતો અને ભારતનો જન્મ 1947 માં થયો હતો. હું હંમેશાં કહું છું કે હું ભારત કરતા 8 વર્ષ નાનો છું. અમે બંને સાથે મોટા થયા છીએ.
તેથી હું જન્મજાત રાષ્ટ્રવાદી હતો, હવે તેઓ કહે છે કે રાષ્ટ્રવાદી હોવું દેશભક્ત હોવાથી અલગ છે, પરંતુ મને તે સમજાતું નથી. હું પરિણામની ચિંતા કર્યા વિના ભારતની તરફેણમાં બોલું છું અને લોકો મને રાજકારણમાં હોવાથી મૂંઝવણમાં મૂકે છે. આ 2014 પછી જ થયું જ્યારે પોતાની પસંદ-નાપસંદને લઈને ઘણા ઓપન થઈ ગયા.
પીએમ મોદીને ગણાવ્યા મહાન નેતા
પીઢ અભિનેતાએ કહ્યું કે તેમના વિચારો વ્યક્ત કરવામાં ખુલ્લાપણું હોવાને કારણે તેમને ઘણીવાર ભાજપના માણસ કહેવામાં આવે છે. અનુપમ ખેરે કહ્યું હવે મને તેનાથી કોઈ ફરક પડતો નથી. લોકો કહે છે કે ભાજપનો માણસ છે, પરંતુ મને વફાદાર ભારતીય હોવાની શરમ નથી. જ્યારે કોઈ ભારતની પ્રશંસા કરે છે ત્યારે મને ગર્વ થાય છે અને હું હંમેશા આવું જ રહ્યો છું. હું મારા દેશ માટે ઉત્સાહી છું કારણ કે અમે સાથે મોટા થયા છીએ.
આ પણ વાંચો – શાહરુખ ખાન, રાની મુખર્જીને નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યો
પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કોઇ નિર્ણય સાથે ક્યારે અસહમતી હતી, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો કે મને લાગે છે કે તે એક મહાન નેતા છે. આપણા પિતા અને મિત્રો સાથે પણ અસહમતી હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે તે વ્યક્તિનો અનાદર કરવો જોઈએ. હું તે વ્યક્તિના ઇરાદાથી પ્રભાવિત છું. હું તેમના પ્રત્યે સુરક્ષાત્મક વલણ ધરાવું છું. તેમના એટલા બધા દુશ્મનો છે, તેમ છતાં તે દેશ માટે કામ કરી રહ્યા છે.





