નવી અર્બન ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાનો સિલસિલો સતત ચાલુ છે. હવે આ લિસ્ટમાં વધુ એક ફિલ્મનું નામ જોડાઈ ગયું છે. પ્રતિક ગાંધી (Pratik Gandhi) સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’ (Vhaalam Jaao Ne)નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે તેમજ આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. ત્યારે આ અહેવાલમાં ફિલ્મની ખાસિયત વિશે જાણીએ.
ફિલ્મમાં રીના (દિક્ષા જોશી) વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તે રણવીર સિંહની પર્સનલ ડ્રેસ ડિઝાઇનર બનાવે માગે છે. જેને પગલે તે નઇત નવા અખતરા કરી તેણે બનાવેલી તમામ ડિઝાઇન્સ તેના બોયફ્રેન્ડ પર ટ્રાય કરે છે. રીના ખૂબ જ પઝેસિવ (Possessive) ગર્લફ્રેન્ડ છે અને નાની-નાની વાતમાં પ્રતિકથી રિસાય પણ જાય છે. આવા ઝગડાને કારણે તેણે આત્મહત્યાના પણ પ્રયાસ કર્યા છે.
રીનાના આ સ્વભાવથી પ્રતિક ખૂબ જ કંટાળી ગયો છે અને તેના વ્હાલમથી દૂર જવા માગે છે, પરંતુ તેવામાં રીનાના પિતા વિદેશથી આવી તેને મળવા માગે છે. પ્રતિક તેમના પર ખરાબ છાપ છોડવા માટે ઘણા પ્રયાસ કરે છે અને મિત્રોને માતા-પિતા બનાવી રીનાના પિતા સાથે મુલાકાત કરાવે છે. હવે આ વ્હાલમ પ્રતિકના જીવનમાંથી જાય છે કે કેમ એ અંગે તો પડદો ફિલ્મ આવ્યા બાદ જ ખબર ઉઠશે.
ટ્રેલર પરથી ફિલ્મની વાર્તા ખૂબ જ રોમાંચક અને ફની લાગે છે, જે દર્શકોને જકડી રાખી સિનેમાઘરો સુધી પહોંચાડવામાં સક્ષમ છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે અને સંવાદો રાહુલ પટેલે લખ્યા છે. ફિલ્મમાં પ્રતિક અને દિક્ષા સાથે ઓજસ રાવલ, ટીકુ તલસાનિયા, સંજય ગોરાડિયા અને કવિન દવે જેવા દિગ્ગજો પણ મહત્ત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. જિયો સ્ટુડિયોઝ પ્રેઝન્ટર તરીકે જોડાયું છે.