બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી જબરદસ્ત ફિલ્મો આપી હવે ઓટીટીની દુનિયામાં પગ મુકવા જઇ રહ્યા છે. સંજય લીલા ભણસાલી તેમના પ્રથમ વેબ શો હીરા મંડીથી ઓટીટી પર ખલબલી મચાવવા માટે તૈયાર છે. આ આ સીરીઝનો ફર્સ્ટ લુક સામે આવ્યા બાદ દરેક વ્યક્તિ હીરામંડીની સ્ટોરી જાણવા માટે આતુર છે. તો આવો જાણીએ કે આખરે આ હીરમંડી શું છે જેને સંજય લીલા ભણસાલી લોકો સમક્ષ ચિત્રિત કરી રહ્યા છે.
હીરા મંડી એટલે લાહોર સ્થિત રેડલાઇટ બજાર
હીરા મંડી એટલે પાકિસ્તાનના લાહોરમાં સ્થિત એક રેડલાઇટ વિસ્તાર છે, જેને ‘શાહી મોહલ્લા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હીરામંડી બજારને રાજા ધ્યાન સિંહના પુત્ર સિખ સરદાર સિંહે સ્થાપ્યું હતું. તેના નામ પર જ આ બજારનું નામ હીરા મંડી રાખવામાં આવ્યું છે. હીરામંડી પહેલા અહીંયા ખાણી-પાણીની વસ્તુઓ વેચાતી હતી. ભાગલા પહેલા ‘હીરામંડી’ની તવાયફો દેશભરમાં પ્રખ્યાત હતી. એ વખતે રાજનીતિ, પ્રેમ અને છેતરપિંડી બધું વેશ્યાલયમાં જોવા મળતું.
હીરા મંડી મુઘલ બાદશાહ અકબર દ્વારા નિર્માણ
હીરા મંડી લાહોરના ટકસાલી ગેટ પાસે સ્થિત છે. જે મુઘલ બાદશાહ અકબર દ્વારા નિર્માણ પામેલા 12 દરવાજા પૈકી એક છે. આ ગેટ હવે ઇતિહાસ બની ગયો છે. જે અંગે ઘણા કિસ્સાઓ અને કહાનીઓ સાંભળવા મળે છે. મુઘલ કાળમાં હીરા મંડી શહેરની તવાયફ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું હતું. મુઘલકાળમાં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાંથી પણ મહિલાઓ ‘હીરામંડી’માં રહેવા આવી હતી. તે સમયે ગણિકા શબ્દને ગંદી નજરે જોવામાં આવતો ન હતો. મુઘલ કાળમાં ગણિકાઓ સંગીત, કલા, નૃત્ય અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા હતા. આ તે સમય હતો જ્યારે ગણિકાઓ માત્ર રાજાઓ અને બાદશાહોનું જ મનોરંજન કરતી હતી.
હીરામંડી પહેલીવાર વેશ્યાવૃતિ સાથે જોડાયું
અહમદ શાહ અબ્દાલીના આક્રમણ સમયે હીરામંડી પહેલીવાર વેશ્યાવૃતિ સાથે જોડાયું. તેમના સૈનિકો એવી જગ્યાએથી મહિલાઓને લાવતા આવતા હતા જ્યા તેઓએ કબજો જમાવ્યો હતો. બ્રિટિશ શાસન દરમિયાન હીરામંડીની તવાયકોને વેશ્યાનું નામ આપ્યું હતું. અંગ્રેજોએ સૌપ્રથમ તેમના સૈનિકો માટે અનારકલી બજારમાં વેશ્યાલય શરૂ કર્યુ હતું. આ પછી અંગ્રેજોએ લાહોરી ગેટ અને ટક્સાલી ગેટ શિફ્ટ કર્યું.
‘હીરામંડી’ની ચમક પડી ઝાંખી
‘હીરામંડી’ની ચમક એટલી બધી ઝાંખી પડી ગઈ કે આજ સુધી એ વિસ્તારની ચમક પાછી આવી નથી. આઝાદી પછી સરકારે પણ અહીં આવતા લોકો માટે ઘણી ઉત્તમ વ્યવસ્થાઓ કરી, પરંતુ તેમ છતાં તે કામ ન થયું.
હીરા મંડી નામ પાછળની કહાની
તેના નામની સ્ટોરી કંઇક એવી છે કે, મહારાજા રણજીત સિંહના મંત્રીનું નામ હીરા સિંહ ડોગરા હતું. આ મંત્રીએ શાહી મહોલ્લામાં અનાજ બજાર બનાવ્યું હતું. આ પછી તેનું નામ ‘હીરામંડી’ પડ્યું. અહીં દિલ્હીના જીબી રોડની જેમ દિવસ દરમિયાન માર્કેટ સજાવવામાં આવે છે અને લોકો અહીં ખરીદી માટે પહોંચે છે. જેમ જેમ રાત થતી જાય છે તેમ આ વિસ્તારની ચમક બદલાય છે.
સંજય લીલા ભણસાલી પર આરોપ
ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલી લગભગ ઐતિહાસિક ફિલ્મોને લઇને વિવાદના સુર ગુંજ્યા છે. જેમાં રામ લીલા, પદ્માવત, બાજીરાવ મસ્તાની સહિત ગંગુબાઇ કાઠિયાવાડીનો સમાવેશ થાય છે. આ વખતે પણ એવું કંઇક થયું છે. આ વખતે તેમની વેબ સીરિઝ હીરામંડીને લઇને તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સંજય લીલા ભણસાલી પર આ વેબ સીરિઝને લઇને ઇતિહાસ સાછે છેડછાડ કર્યા હોવાનો આરોપ છે. ત્યારે આ વેબ સીરિઝ હિટ જશે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
હીરા મંડી મચાવશે ધમાલ
સંજય લીલા ભણસાલીના ફિલ્મના વિવાદનો ઇતિહાસ જોઇએ તો, ભલે તેમની ફિલ્મોના પૂરજોશનમાં વિરોધ થયો હોય પણ તેણે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. તે પછી રામ લીલા હોય, પદ્માવત કે પછી બાજીરાવ મસ્તાની તેમજ ગંગુબાઇ કાઠિયાવાડી હોય. ગંગુબાઇ કાઠિયાવાડીએ તો વિશ્વભરમાં રેકોર્ડ સર્જયો છે.
ટુંક સમયમાં આ વેબ સીરિઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે
કહેવામાં આવી રહ્યું છે કે આ સિરીઝ આઠ એપિસોડમાં હશે. દિગ્દર્શકે કહ્યું કે તેણે આ વિષય પર સંશોધન કર્યું અને લગભગ 14 વર્ષ સુધી સ્ક્રિપ્ટ લખી. ‘હીરામંડી’ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.