Heeramandi Trailer : બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક સંજય લીલા ભણસાલી જબરદસ્ત ફિલ્મો આપી હવે ઓટીટીની દુનિયામાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી તેની પ્રથમ વેબ સીરિઝ હીરામંડીથી ઓટીટી પર ખલબલી મચાવશે. આવી સ્થિતિમાં દરેક લોકો હીરામંડીની આતુરતાથી રાહ જોઇને બેઠા છે. આ વચ્ચે હીરામંડીને લઇને એક ખુશીના સમાચાર સામે આવ્યાં છે. ભણસાલીએ હીરામંડી ટ્રેલર રિલીઝ ડેટ પરથી પડદો ઉઠાવ્યો છે.

મહત્વનું છે કે, હીરામંડી ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી વેબ સીરિઝ માનવામાં આવે છે. સીરીઝનું પોસ્ટર શેર કરતી વખતે મેકર્સે લખ્યું – સંજય લીલા ભણસાલીની પ્રથમ વેબ સીરીઝ હીરામંડી – ધ ડાયમંડ બજારનું ટ્રેલર આજે એટલે કે 09 એપ્રિલે રિલીઝ થવા જઈ રહ્યું છે. જેમાં હીરામંડીના સુંદર અને લક્ઝુરિયસ સેટ બતાવવામાં આવશે. તમે તૈયાર છો?
હીરામંડી વેબ સીરિઝ નેટફલિક્સ પર 1 મેના રોજ રિલીઝ થવાની છે. હવે હીરામંડી સ્ટાર કાસ્ટની વાત કરીએ તો સીરિઝમાં સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, અધ્યયન સુમન, શેખર સુમન, સંજીદા ખાન, ફરદીન ખાન, તાહા શાહ બદુશા સહિત સ્ટાર્સ છે.
ઉલ્લેખનીય છે કે, હીરામંડી વેબ સીરિઝથી અભિનેતા ફરદીન ખાન 14 વર્ષે સ્ક્રીન પર ફરી અભિનય કરતો જોવા મળશે. સાથે જ આ સીરીઝમાં શેખર સુમન અને તેનો દીકરો અધ્યયન સુમન પણ એકસાથે જોવા મળશે. આ શોમાં તે ‘ઝોરાવર’નું પાત્ર ભજવી રહ્યો છે. જોરાવર રિચા ચઢ્ઢાના પાત્ર લજ્જોના પ્રેમમાં છે. પરંતુ આ પ્રેમ પણ તેની કસોટી કરી રહ્યો છે.

આ પણ વાંચો : હીરામંડી માટે વિશાળ સેટ તૈયાર, અત્યાર સુધીનો મારો સૌથી મોટો પ્રોજેક્ટઃ સંજય લીલા ભણસાલી
હીરા મંડી લાહોરના ટકસાલી ગેટ પાસે સ્થિત છે. જે મુઘલ બાદશાહ અકબર દ્વારા નિર્માણ પામેલા 12 દરવાજા પૈકી એક છે. આ ગેટ હવે ઇતિહાસ બની ગયો છે. જે અંગે ઘણા કિસ્સાઓ અને કહાનીઓ સાંભળવા મળે છે. મુઘલ કાળમાં હીરા મંડી શહેરની તવાયફ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું હતું. મુઘલકાળમાં અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાંથી પણ મહિલાઓ ‘હીરામંડી’માં રહેવા આવી હતી. તે સમયે ગણિકા શબ્દને ગંદી નજરે જોવામાં આવતો ન હતો. મુઘલ કાળમાં ગણિકાઓ સંગીત, કલા, નૃત્ય અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા હતા. આ તે સમય હતો જ્યારે ગણિકાઓ માત્ર રાજાઓ અને બાદશાહોનું જ મનોરંજન કરતી હતી.





