Housefull 5 Trailer Review: હાઉસફુલ 5 ટ્રેલર રિલીઝ થતાં જ દર્શકોને મર્ડર મિસ્ટ્રી અને કોમેડીનો જોરદાર ડોઝ મળ્યો છે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, સંજય દત્ત, જેકી શ્રોફ, ચંકી પાંડે અને ફરદીન ખાન જેવા સ્ટાર્સથી સજેલી કોમેડી ડ્રામા ફિલ્મ હાઉસફુલ 5 રિલીઝ થવાની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ‘હાઉસફુલ’ ફ્રેન્ચાઇઝીની પાંચમી સિકવલ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. 3.53 મિનિટના આ ટ્રેલરમાં પત્નીઓની અદલા-બદલી અને મર્ડર મિસ્ટ્રી સાથે જબરદસ્ત કોમેડી છે. તેમાં થોડી મૂંઝવણ પણ છે. અક્ષય ફરી એકવાર કોમેડી કિંગ તરીકે પડદા પર પરત ફરી રહ્યો છે, જેની તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા.
સાજિદ નડિયાદવાલાની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 5’ના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ દર્શકોનો ઉત્સાહ વધુ વધારી દીધો છે. આમાં તમે જોઈ શકો છો કે આખું ટ્રેલર ક્રૂઝ પર જ આધારિત છે. તેમાં પાપા રણજીત પોતાની બધી સંપત્તિ પુત્ર જોલીના નામે કરી નાખે છે. જેની ખબર પડતા જ અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન ક્રુઝ પર પહોંચી જાય છે અને ત્રણેય પાપા રણજીતના પુત્રો હોવાનો દાવો કરે છે.
હવે આ રહસ્ય ઉકેલાય તે પહેલા એક મર્ડર મિસ્ટ્રી એન્ગલની એન્ટ્રી પણ થાય છે, જેમાં આ ત્રણેય સ્ટાર્સ ફસાઇ જાય છે અને પછી કોમેડીનો અસલી ખેલ શરૂ થાય છે. ટ્રેલર સસ્પેન્સથી ભરેલું છે. કોમેડીનો ફુલ ડોઝ પણ છે. ત્રણ મિનિટથી વધુ સમયનું આ ટ્રેલર એકદમ મનોરંજક લાગે છે.
હાઉસફુલ 5 ટ્રેલર જોઇ શું કહે છે પબ્લિક?
આ સાથે જ ‘હાઉસફુલ 5’ના ટ્રેલર પર લોકોની પ્રતિક્રિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર લોકો પોઝિટિવ રિવ્યૂ આપી રહ્યા છે. તેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. અક્ષય કુમારની કોમેડીમાં વાપસીને લોકોને ખાસ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરે લોકોની ઉત્તેજના વધારી દીધી છે.
આ પણ વાંચો – દીપિકા પાદુકોણે પ્રભાસની આગામી ફિલ્મ સ્પિરિટ ખરેખર આ કારણથી છોડી?
એકે યુઝરે લખ્યું કે હું તેને પહેલા દિવસે જોઈશ, પહેલા શો. બીજાએ લખ્યું કે અક્ષય કુમાર લાંબા સમય પછી ફોર્મમાં છે. અક્કી પાસેથી અમે આવી જ અપેક્ષા રાખીએ છીએ. ટ્રેલર જોયા બાદ હું કહી શકું છું કે આ ફિલ્મ સુપરહિટ નીવડશે. આ જ રીતે લોકો તેના પર ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે અને ફિલ્મની રિલીઝ પહેલા જ તેને સુપરહિટ ગણાવી રહ્યા છે.
હાઉસફુલ 5 કાસ્ટ સાથે ક્રુઝ પર કોમેડી
તમને જણાવી દઈએ કે ‘હાઉસફુલ 5’ના ટ્રેલર પહેલા તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. 1.16 મિનિટના આ ટીઝરમાં જબરદસ્ત કોમેડી પણ જોવા મળી હતી. આ ટીઝર દ્વારા ફિલ્મની સ્ટારકાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, સંજય દત્ત, ફરદીન ખાન, નાના પાટેકર, જેકી શ્રોફ, ડિનો મોરિયા, ચંકી પાંડે, જોની લીવર, શ્રેયસ તલપડે, નિકિતિન ધીર, રણજિત, આકાશદીપ સાબીર, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીસ ફખરી, ચિત્રાંગદા સિંહ અને સૌંદર્યા શર્મા જેવા કલાકારો છે. સાથે જ જો ફિલ્મની રિલીઝની વાત કરીએ તો તે 6 જૂન 2025ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.