IC814: The Kandahar Hijack : અનુભવ સિન્હાની વેબ સીરિઝ ‘IC814 : ધ કંદહાર હાઈજેક’ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વેબ સિરીઝ બનાવવા માટે તેના તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ મામલો હવે દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને તેના પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી રહી છે. આને બનાવવાને લઇને મેકર્સની ઘણી પ્રશંસા થઇ રહી છે. જોકે કહાનીને તોડી મરોડીને રજુ કરવા બદલ નિર્માતાઓને આકરી ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. વેબ સીરિઝમાં આતંકીઓના નામને લઈને પણ ઘણો વિવાદ થયો છે. આવી સ્થિતિમાં હવે નેટફ્લિક્સ તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે કે તેમાં આતંકીઓના નામ બદલવામાં આવશે.
ઓપનિંગ ડિસ્ક્લેમરમાં ફેરફાર કરવામાં આવ્યો
મોનિકા શેરગિલ નેટફ્લિક્સ કન્ટેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ છે. તેમના તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે તેમનો એકમાત્ર હેતુ 1999ના કંદહાર હાઇજેક વિશે જણાવવાનો હતો, જેના વિશે લોકો જાણતા નથી. હવે તેના ઓપનિંગ ડિસ્ક્લેમરમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હાઇજેકર્સના ઓરિજિનલ અને કોડ નેમ અપડેટ કરવામાં આવ્યા છે અને સિરીઝમાં તેમના નામ પણ બદલવામાં આવ્યા છે. આમાં તેમને તે જ કોડ નેમ આપવામાં આવ્યા છે, જેનો ઉપયોગ તેમણે ઘટના દરમિયાન કર્યો હતો.
આ વેબ સિરીઝને નેટફ્લિક્સ પરથી હટાવવાની પણ માંગ ઉઠી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેટફ્લિક્સ દ્વારા સરકારને ખાતરી આપવામાં આવી હતી કે ભારતના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને જ આ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ અપલોડ કરવામાં આવશે. આ મામલે નેટફ્લિક્સની ટીમ આઈસી814: ધ કંદહાર હાઈજેક વેબ સિરીઝમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની સમીક્ષા કરી રહી છે.
ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો
અપહરણકર્તાઓના નામ ઈબ્રાહિમ અતહર, શાહિદ અખ્તર સૈયદ, સની, અહમદ કાઝી, ઝહુર મિસ્ત્રી અને શાકિર હતા. તેમને સિરીઝમાં બદલીને ભોલા, શંકર, ડૉક્ટર, બર્ગર અને ચીફ વગેરે કરવામાં આવ્યા છે. આ ફેરફારના કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આક્ષેપો થયા છે અને તેની આકરી ટીકા થઈ રહી છે.
આ પણ વાંચો – દીપિકા પાદુકોણના બેબી બમ્પ ફોટોશૂટ
દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી છે, જેમાં મિની-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. 29 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી, જે શ્રીજોય ચૌધરી અને આઈસી-814 ફ્લાઈટના કેપ્ટન રહેલ દેવી શરણ દ્વારા લિખિત પુસ્તક ‘ફ્લાઈટ ઈનટુ ફિયરઃ ધ કેપ્ટન સ્ટોરી’ પર આધારિત છે.
નામને લઇને વિવાદ
સોશ્યલ મિડિયા પર આ વેબ સિરિઝનો બહિષ્કાર કરવાની માગણી થઇ રહી છે. એક્સ પર #BoycottNetflix , #BoycottBollywood અને #IC814 ટ્રેન્ડ ચાલી રહ્યા છે.